પાકિસ્તાને વિક્રમજનક ૨૦૦મી ટી૨૦માં મેળવી દિલધડક જીત

27 September, 2022 12:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૬ બૉલમાં ત્રણ વિકેટ લઈને ઇંગ્લૅન્ડ સામે સાત મૅચની સિરીઝ ૨-૨થી લેવલ કરી લીધી

રવિવારે શાન મસૂદે રીસ ટૉપ્લીને રનઆઉટ કરી દેતાં જ પાકિસ્તાની ખેલાડીઓએ થ્રિલિંગ વિક્ટરી સેલિબ્રેટ કરી હતી. તસવીર એ.એફ.પી.

૨૧મી સદીની શરૂઆતમાં ભારત, ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા સહિત આંગળીને વેઢે ગણાય એટલા દેશો જ ક્રિકેટજગતના સૌથી ટૂંકા ફૉર્મેટ ટી૨૦ની મૅચ રમતા હતા, પણ હવે ૯૨ દેશો ટી૨૦ રમે છે અને એ બધામાં એકમાત્ર પાકિસ્તાન એવો દેશ છે જે ૨૦૦ ટી૨૦ મૅચ રમ્યું છે. રવિવારે પોતાની ૨૦૦મી ટી૨૦માં એણે કરાચીમાં ઇંગ્લૅન્ડને સિરીઝની ચોથી મૅચમાં ચાર બૉલ બાકી રાખીને ૩ રનના નજીવા માર્જિનથી હરાવીને શ્રેણી ૨-૨થી લેવલ કરી હતી.

પાકિસ્તાને મોહમ્મદ રિઝવાનના ૮૮ રન અને બાબર આઝમના ૩૬ રનની મદદથી ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૬૬ રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડની ટીમે ખરાબ શરૂઆત બાદ ૧૪ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બેન ડકેટના ૩૩ રન, હૅરી બ્રુકના ૩૪ રન, કૅપ્ટન મોઇન અલીના ૨૯ રન અને લિઆમ ડૉસના ૩૪ રનને કારણે મૅચ એકદમ ક્લોઝ થઈ ગઈ હતી. રસાકસી ત્યાં સુધી પહોંચી હતી કે ૧૯મી ઓવરના બીજા બૉલ સુધી ઇંગ્લૅન્ડે ૧૬૭ રનના લક્ષ્યાંક સામે ૧૬૩ રન બનાવી લીધા હતા અને એની ત્રણ વિકેટ બાકી હતી. જોકે હૅરિસ રઉફે ૧૯મી ઓવરમાં ત્રીજા, ચોથા બૉલમાં ડૉસન અને ઓલી સ્ટોનની વિકેટ લઈને બાજી પાકિસ્તાનની ફેવરમાં લાવી દીધી હતી. રીસ ટૉપ્લી (૦) અને આદિલ રાશિદ (૩ અણનમ) મૅચને ૨૦મી ઓવર સુધી લઈ ગયા હતા, પરંતુ મોહમ્મદ વસીમની એ નિર્ણાયક ઓવરના બીજા બૉલમાં શાન મસૂદે ટૉપ્લીને રનઆઉટ કરીને પાકિસ્તાનને યાદગાર વિજય અપાવ્યો હતો. મોહમ્મદ નવાઝ અને રઉફે ત્રણ-ત્રણ વિકેટ તથા મોહમ્મદ હસ્નૈને બે વિકેટ લીધી હતી. રઉફને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

સૌથી વધુ ટી૨૦ રમનારામાં પાકિસ્તાનની ૨૦૦ મૅચ

      દેશ      મૅચ    જીત/હાર

પાકિસ્તાન    ૨૦૦    ૧૨૨/૭૦
ભારત          ૧૮૨    ૧૧૬/૫૮
વેસ્ટ ઇન્ડીઝ  ૧૭૧    ૭૦/૮૮
ન્યુ ઝીલૅન્ડ    ૧૭૦    ૮૭/૭૧
ઑસ્ટ્રેલિયા    ૧૬૫    ૮૬/૭૩

નોંધ : (૧) મોટા ભાગના દેશોની એક કે એકથી વધુ મૅચો અનિર્ણીત રહી છે તેમ જ ટાઇ પણ થઈ છે. (૨) શ્રીલંકા પણ ઑસ્ટ્રેલિયાની જેમ ૧૬૫ ટી૨૦ રમ્યું છે, જેમાં એનો જીત/હારનો રેશિયો ૭૪/૮૬ છે.

sports sports news cricket news t20 international