કાંગારૂઓ સામે ૭ વર્ષ બાદ T20 મૅચ જીત્યું પાકિસ્તાન

30 January, 2026 11:16 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

પહેલી મૅચ બાવીસ રને જીતીને યજમાન પાકિસ્તાને ત્રણ T20ની સિરીઝમાં વિજયી શરૂઆત કરી

પાકિસ્તાનના યંગ ઑલરાઉન્ડર સૈમ અયુબે હાઇએસ્ટ ૪૦ રન કરીને બે વિકેટ પણ લીધી હતી

ઑસ્ટ્રેલિયા સામે ગઈ કાલે પાકિસ્તાને બાવીસ રને જીત મેળવીને ત્રણ T20ની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી છે. લાહોરમાં રમાયેલી મૅચમાં પાકિસ્તાને સૈમ અયુબના ૪૦ રન અને કૅપ્ટન સલમાન અલી આગાના ૩૯ રનના આધારે ૮ વિકેટે ૧૬૮ રન કર્યા હતા. પાકિસ્તાનની સ્પિન જોડી અબ્રાર અહમદ અને સૈમ અયુબે બે-બે વિકેટ લઈને મહેમાન ટીમને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૬ના સ્કોરે ઑલઆઉટ કરી હતી. સૈમ અયુબ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

‍પાકિસ્તાને ઑસ્ટ્રેલિયા સામે ૭ વર્ષ બાદ T20માં જીત મેળવી છે. ઑક્ટોબર ૨૦૧૮માં પાકિસ્તાન આ હરીફ સામે છેલ્લી T20 મૅચ અને સિરીઝ જીત્યું હતું. ત્યાર બાદ રમાયેલી ૮ મૅચમાં શરૂઆતની નો-રિઝલ્ટ મૅચ બાદ સતત ૭ મૅચ કાંગારૂઓ જીત્યા હતા. પાકિસ્તાને ઘરઆંગણે પણ ઑસ્ટ્રેલિયા સામે પહેલી T20 જીત મેળવી હતી.  

નેતૃત્વ ટ્રૅવિસ હેડે કર્યું

ઑસ્ટ્રેલિયાના ૩૨ વર્ષના સ્ટાર બૅટર ટ્રૅવિસ હેડે ગઈ કાલે પાકિસ્તાન સામેની સિરીઝની પહેલી મૅચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. રેગ્યુલર કૅપ્ટન મિચલ માર્શ ૪૮ કલાકની મુસાફરીના થાકને કારણે મેદાન પર રમી શકે એમ ન હોવાથી તેને આરામ આપવામાં આવ્યો હતો. ટ્રૅવિસ હેડ આ પહેલાં પણ કાંગારૂ ટીમની કમાન સંભાળી ચૂક્યો છે. ગઈ કાલે તેની આગેવાની હેઠળ ત્રણ યંગ પ્લેયર્સે ડેબ્યુ કર્યું હતું. પાકિસ્તાન ટૂરમાં ઑસ્ટ્રેલિયા પોતાની ક્ષમતા કરતાં ઓછા અનુભવી પ્લેયર્સને લઈને પહોંચ્યું છે.

pakistan australia wt20 t20 international t20 cricket news sports sports news