કોહલીને હટાવીને બાબર બન્યો વન-ડેનો નંબર-વન બૅટ્સમૅન

15 April, 2021 12:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિરાટ કોહલી ૧૨૫૮ દિવસથી આ પદ પર હતો

બાબર આઝમ

વિરાટ કોહલીએ વન-ડે રૅન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન ગુમાવ્યું છે. પાકિસ્તાની ટીમના કૅપ્ટન બાબર આઝમ હવે આઇસીસી વન-ડે રૅન્કિંગમાં ટોચ પર છે. તે પાકિસ્તાનનો વન-ડે રૅન્કિંગમાં ટોચ પર પહોંચનાર ચોથો બૅટ્સમૅન છે.

અગાઉ ઝહીર અબ્બાસ (૧૯૮૩-૮૪), જાવેદ મિયાદાંદ (૧૯૮૮-૮૯) અને મોહમ્મદ યુસુફ (૨૦૦૩) આઇસીસી વન-ડે રૅન્કિંગની ટોચ પર પહોંચ્યા હતા. વિરાટ કોહલી ૧૨૫૮ દિવસથી આ પદ પર હતો. સાઉથ આફ્રિકા સામે તાજેતરમાં જ પૂરી થયેલી સિરીઝમાં શાનદાર પ્રદર્શનનો લાભ બાબરને મળ્યો છે. આઇસીસી દ્વારા ગઈ કાલે બહાર પાડવામાં આવેલા રૅન્કિંગમાં તેના ૮૬૫ પૉઇન્ટ છે, જે ભારતીય કૅપ્ટન કરતાં ૮ પૉઇન્ટ વધારે છે. વિરાટ હવે બીજા ક્રમાંક પર તો રોહિત શર્મા ત્રીજા ક્રમાંક પર છે. સાઉથ આફ્રિકાની સિરીઝ પહેલાં બાબરના ૮૩૭ પૉઇન્ટ હતા, પરંતુ પહેલી મૅચમાં શાનદાર સદી (૧૦૩ રન) તેના રૅન્કિંગમાં આવેલા ઉછાળા પાછળનું મહત્ત્વનું કારણ છે. ત્રીજી અને નિર્ણાયક મૅચમાં એણે ૯૪ રન કર્યા હતા, જેને કારણે પાકિસ્તાન આ સિરીઝ ૨-૧થી જીત્યું હતું. ન્યુ ઝીલૅન્ડનો રૉસ ટેલર ચોથા ક્રમાંક પર છે તો ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન ઍરોન ફિન્ચ પાંચમા ક્રમાંક પર છે. 

sports sports news cricket news babar azam