બાબરે વર્લ્ડ રેકૉર્ડ રચ્યો, અવૉર્ડ સાથી-બૅટરને આપી દીધો!

10 June, 2022 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે વખત હૅટ-ટ્રિક સેન્ચુરીનો વિક્રમ : વેસ્ટ ઇન્ડીઝ સામે પાકિસ્તાનની ૧-૦થી સરસાઈ

૧૭મી સેન્ચુરી વખતે કૅપ્ટન બાબર આઝમ (તસવીર : એ.એફ.પી.)

પાકિસ્તાનના મુલતાન શહેરમાં ૪૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં બુધવારે વેસ્ટ ઇન્ડીઝ સામે પાકિસ્તાને પ્રથમ વન-ડેમાં ૪ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી. વન-ડેની નંબર-વન રૅન્કવાળો પાકિસ્તાનનો કૅપ્ટન બાબર આઝમ (૧૦૩ રન, ૧૦૭ બૉલ, ૯ ફોર) આ મૅચમાં ૧૭મી વન-ડે સદી અને બીજી વાર સતત ત્રીજી સદી ફટકારીને રેકૉર્ડ-બુકમાં આવી ગયો હતો.

બાબરે ૩૧ માર્ચે ઑસ્ટ્રેલિયા સામે (૧૧૪) અને ૨ એપ્રિલે ઑસ્ટ્રેલિયા સામે જ (૧૦૫*) સદી ફટકાર્યા બાદ બુધવારે વેસ્ટ ઇન્ડીઝ સામે લાગલગાટ ત્રીજી વન-ડેમાં સેન્ચુરી (૧૦૩) ફટકારી છે. આ પહેલાં તેણે ૨૦૧૬ની ૩૦ સપ્ટેમ્બરે વેસ્ટ ઇન્ડીઝ સામે (૧૨૦) અને પછી બીજી ઑક્ટોબરે (૧૨૩) અને પાંચમી ઑક્ટોબરે (૧૧૭) એ જ દેશ સામે સદીની હૅટ-ટ્રિક નોંધાવી હતી.

બુધવારે વેસ્ટ ઇન્ડીઝે વિકેટકીપર શાઇ હોપના ૧૨૭ રન અને શામર બ્રુક્સના ૭૦ રનની મદદથી ૮ વિકેટે ૩૦૫ રન બનાવ્યા બાદ પાકિસ્તાને ૪૯.૨ ઓવરમાં પાંચ વિકેટે ૩૦૬ રન બનાવી લીધા હતા, જેમાં બાબરના ૧૦૩ રન ઉપરાંત ઇમામ-ઉલ-હકના ૬૫ રન, વિકેટકીપર મોહમ્મદ રિઝવાનના ૫૯ રન અને ખુશદિલ શાહ (અણનમ ૪૧, ૨૩ બૉલ, ચાર સિક્સર, એક ફોર)નાં મહત્ત્વનાં યોગદાન હતાં. કૅરિબિયન ટીમના છ બોલર્સમાં અલ્ઝારી જોસેફે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

પાકિસ્તાનના ૨૩૭ રનના સ્કોર પર બાબરની ત્રીજી વિકેટ પડ્યા બાદ રિઝવાન સાથે ખુશદિલ જોડાયો હતો. જોકે રિઝવાને અને પછી શાદાબ ખાને વિકેટ ગુમાવી હતી, પણ ખુશદિલ ક્રીઝ પર ટકી રહ્યો હતો. છેલ્લા ૧૨ બૉલમાં પાકિસ્તાને જ્યારે ૨૧ રન બનાવવાના હતા ત્યારે રોમેરિયો શેફર્ડની ઓવરમાં ૧૪ રન ખડકીને ટીમ પરથી પ્રેશર ખૂબ ઘટાડી દીધું હતું અને છેલ્લા ૬ બૉલમાં ૬ રન બનાવવાના બાકી રહ્યા હતા. મોહમ્મદ નવાઝે છેલ્લી ઓવરના બીજા બૉલમાં વિનિંગ સિક્સર ફટકારી હતી. કૅપ્ટન બાબરને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપ્યો ત્યારે તેણે ખુશદિલને આપતાં કહ્યું હતું કે આ જીત બદલ પુરસ્કારનો ખરો હકદાર ખુશદિલ છે, કારણ કે ટીમને વિજયના દ્વાર સુધી તેણે પહોંચાડી હતી.

આજે મુલતાનમાં બીજી વન-ડે (સાંજે ૪.૩૦ વાગ્યાથી) રમાશે.

sports sports news cricket news pakistan west indies