હેડન અને ફિલાન્ડર બન્યા પાકિસ્તાનના નવા કોચ

14 September, 2021 05:29 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા ચૂંટાયેલા ચૅરમૅન રમીઝ રાજાએ આની ઘોષણા કરી હતી

મૅથ્યુ હેડન

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર મૅથ્યુ હેડન અને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વર્નોન ફિલાન્ડરની યુએઈમાં રમાનારી ટી૨૦ વર્લ્ડ કપ માટેની પાકિસ્તાનની ટીમના નવા કોચ તરીકે નિમણૂક થઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા ચૂંટાયેલા ચૅરમૅન રમીઝ રાજાએ આની ઘોષણા કરી હતી. પાકિસ્તાનની ટીમના હેડ કોચ મિસ્બાહ-ઉલ-હક અને બોલિંગ-કોચ વકાર યુનિસના આ પદ પરથી રાજીનામાના એક સપ્તાહ બાદ જ આ નિમણૂક કરવામાં આવી છે. રમીઝ રાજાએ પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું કે પાકિસ્તાનની ટીમને નવી દિશાની જરૂર છે. અમે હેડન અને ફિલાન્ડરની વર્લ્ડ કપ માટે નિમણૂક કરી છે. પાકિસ્તાને ન્યુ ઝીલૅન્ડ સામેની ઘરઆંગણેની સિરીઝ માટે ટેસ્ટ સ્પિનર સકલૈન મુશ્તાક અને ઑલરાઉન્ડર અબ્દુલ રઝાકની વચગાળાના કોચ તરીકે નિમણૂક કરી હતી. તેમના કાર્યકાળનો એક વર્ષનો સમય બાકી હતો એ પહેલાં જ  મિસ્બાહ અને વકારે રાજીનામું આપી દીધું હતું. પાકિસ્તાન અગાઉ પણ ઘણા વિદેશી કોચની નિમણૂક કરી હતી, જેઓ સફળ પણ રહ્યા હતા એમાં રિચર્ડ પાયબસ, બૉબ વુલ્મર, જ્યૉફ લૉસન અને ડેવ વૉટમોરનો સમાવેશ છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે સિરીઝ શક્ય નથી : રમીઝ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા ચૂંટાયેલા અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ હાલમાં શક્ય નથી. વળી હાલમાં આની કોઈ ઉતાવળ પણ નથી. નવા ચૅરમૅન તરીકે મારું તમામ લક્ષ્ય દેશમાં સ્થાનિક સ્તરે ક્રિકેટના સ્તરને ઊંચું લાવવાનું છે. વડા પ્રધાન ઇમરાન ખાને મને બહુ પડકારજનક જવાબદારી સોંપી છે. રાવલપિંડી અને લાહોરમાં પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાનારી ટી૨૦ અને વન-ડે સિરીઝ દરમ્યાન ડિસિઝન રિવ્યુ સિસ્ટમ ન હોવાને મામલે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.

sports sports news cricket news