નવાઝે પાકિસ્તાનને જિતાડી આપી સિરીઝ

12 June, 2022 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્લો પિચ પર નવાઝે કરીઅરનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ૧૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી

મોહમ્મદ નવાઝ

મુલતાનમાં રમાયેલી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝના બૅટર્સે પાકિસ્તાનના સ્પિનર મોહમ્મદ નવાઝ સામે શરણાગતિ સ્વીકારતાં ૧૨૦ રનથી પરાજય થયો હતો. પરિણામે યજમાન પાકિસ્તાને ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦થી અજય લીડ મેળવી લીધી છે. સ્લો પિચ પર નવાઝે કરીઅરનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ૧૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી, જેને કારણે વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૧૭ ઓવર બાકી રાખીને માત્ર ૧૫૫ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી.

પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમ (૭૭) અને ઇમામ-ઉલ-હકે (૭૨) પોતાનું શાનદાર બૅટિંગ ફૉર્મ યથાવત્ રાખ્યું હતું. જોકે વેસ્ટ ઇન્ડીઝના બોલર અકીલ હોસેન બાવન રન આપીને ત્રણ વિકેટ ઝડપતાં યજમાન ટીમ ૮ વિકેટે ૨૭૫ રન કરી શકી હતી. વેસ્ટ ઇ​ન્ડીઝ તરફથી નવાઝ સામે શામાર બ્રુક્સ ૪૨ રન અને કાઇલ માયર્સ ૩૩ રન કરી શક્યા હતા.

નવાઝે મહત્ત્વના સમયે જ વિકેટ લીધી હતી. પહેલી મૅચમાં સદી ફટકારનાર શાઇ હોપને  (૪ રન) પહેલી જ ઓવરમાં શાહીન શાહ આફ્રિદીએ સસ્તામાં આઉટ કર્યો હોવા છતાં બ્રુક્સ અને માયર્સ ફાસ્ટ બોલરો સામે આક્રમક રમ્યા હતા. તેમણે ૫૪ બૉલમાં ૬૭ રન કર્યા હતા. મોહમ્મદ વસીમ જુનિયરે (૪૩ રનમાં ૩ વિકેટ) માયર્સને આઉટ કર્યો હતો. ત્યાર બાદ નવાઝે પોતાની પહેલી ઓ‍વરના ચોથા બૉલમાં જ બ્રેન્ડન કિંગને બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદની ઓવરમાં તેણે બ્રુક્સની વિકેટ લીધી હતી. ત્યાર બાદ પૉવેલ (૧૦ રન) અને કૅપ્ટન પૂરન (૨૫ રન)ની વિકેટ એક જ ઓવરમાં લીધી હતી. આ બધાને કારણે પાકિસ્તાનનો શાનદાર વિજય થયો હતો. 

sports sports news cricket news pakistan west indies