11 November, 2025 06:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્રેયસ ઐયરે ઑસ્ટ્રેલિયાના બીચ પરથી તસવીર શૅર કરી
ભારતના ODI વાઇસ કૅપ્ટન શ્રેયસ અય્યર ગયા મહિનાથી પોતાની કારકિર્દીની સૌથી ભયાનક ક્ષણોમાંની એકનો સામનો કરી રહ્યો ચ્હે. 25 ઑક્ટોબરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન મેદાન પર અય્યરને ગંભીર ઈજા થયા બાદ તેનું ઑક્સિજન લેવલ 50 સુધી ઘટી ગયું હતું. એક સૂત્રએ જણાવ્યું હતું કે, અય્યર સરખી રીતે ઊભો પણ રહી શકતો ન હતો. તેની આસપાસ સંપૂર્ણ બ્લૅકઆઉટ હતું અને તેની તબિયત સામાન્ય થવામાં થોડો સમય લાગ્યો હતો. 30 વર્ષીય ભારતીય ખેલાડી શ્રેયસ અય્યર, ઍલેક્સ કૅરીને આઉટ કરવા માટે ડાઇવિંગ કૅચ પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તેને પેટમાં વાગતા ઈજા થઈ હતી જેના પરિણામે તેની બરોળમાં ઇજા થઈ હતી અને આંતરિક રક્તસ્રાવ પણ થયો હતો. ઘટનાની થોડી જ ક્ષણોમાં તેની હાલત ગંભીર બની ગઈ હતી. BCCI એ જણાવ્યું હતું કે, "ઈજા તાત્કાલિક ઓળખાઈ ગઈ હતી, અને એક નાની પ્રક્રિયા પછી તરત જ રક્તસ્રાવ બંધ કરવામાં આવ્યો હતો. તેના માટે યોગ્ય તબીબી વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે."
શું શ્રેયસ અય્યર દક્ષિણ આફ્રિકા સામે ODI સિરીઝ રમશે?
હૉસ્પિટલમાંથી રજા આપ્યા પછી, અય્યર હવે સતત તબીબી દેખરેખ હેઠળ સ્વસ્થ થઈ રહ્યો છે. તેની રિકવરી પ્રોત્સાહક પ્રગતિ દર્શાવે છે, પરંતુ ડૉક્ટરોએ તેમને સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરતા પહેલા ઓછામાં ઓછા એક મહિના માટે આરામ કરવાની સલાહ આપી છે. "બોર્ડ અને પસંદગી સમિતિ તેમને ઉતાવળમાં પાછા ફરવા માગતા નથી," એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું, અને પુષ્ટિ આપી હતી કે અય્યર 30 નવેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થનારી આગામી ત્રણ મેચની ODI સિરીઝમાં રમવાની શક્યતા નથી. રાંચી, રાયપુર અને વિશાખાપટ્ટનમમાં યોજાનારી આ સિરીઝ મુંબઈના બૅટર વિના આગળ વધશે કારણ કે તે સંપૂર્ણ ફિટનેસ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
શ્રેયસ ઐયરે ઑસ્ટ્રેલિયાના બીચ પરથી તસવીર શૅર કરી
શ્રેયસે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર પોતાની રિકવરી અંગે અપડેટ શૅર કર્યો. ઑસ્ટ્રેલિયાના બીચ પર ક્લિક કરેલી તસવીર શૅર કરતા ઐયરે લખ્યું, "સૂર્ય એક મહાન ઉપચાર રહ્યો છે. પાછા આવવા બદલ આભારી છું, બધા પ્રેમ અને સંભાળ માટે આભાર,". વાદળી બકેટ ટોપી અને રિફ્લેક્ટર સનગ્લાસ પહેરીને, ભારતનો સ્ટાર બૅટર બીચ વૅકેશન પર પાછા ફરતી વખતે એન્જોય કરતો જોવા મળ્યો હતો. અય્યરને કોલકાતામાં 14 નવેમ્બરથી શરૂ થનારી દક્ષિણ આફ્રિકા સામેની બે મૅચની ટૅસ્ટ સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો. ભારતનો વન-ડે વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરનો ઇન્જરી બાદનો પહેલો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ મહિનાની શરૂઆતમાં જ ડિસ્ચાર્જ મળ્યા બાદ તે હાલમાં સિડનીમાં રિકવરી પર ધ્યાન આપી રહ્યો છે. આ દરમ્યાન તેણે પહેલી વખત જાહેરમાં એક રેસ્ટોરાંમાં વિઝિટ કરી હતી. ત્યાંના શેફ સાથે પડાવેલો એક ફોટો વાઇરલ થતાં તેનો ઇન્જરી બાદનો પહેલો લુક જોવા મળ્યો હતો.