વહેલી એક્ઝિટ પછી ૨૦૨૩ માટે આશાવાદી

14 May, 2022 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈના બોલિંગ-કોચ શેન બૉન્ડનાં અને ચેન્નઈના કૅપ્ટન ધોનીનાં સકારાત્મક નિવેદનો

વહેલી એક્ઝિટ પછી ૨૦૨૩ માટે આશાવાદી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કોઈ એક સીઝનમાં સૌથી પહેલાં બે ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમ પ્લે-ઑફ માટેની રેસની બહાર થઈ ગઈ હોય એવું આ ટુર્નામેન્ટના ૧૫ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે. થોડા દિવસ પહેલાં પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ અને ગુરુવારે ચાર ટ્રોફીની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ નૉકઆઉટ રાઉન્ડની દોડમાંથી આઉટ થઈ ગઈ. ૧૦મા નંબરની મુંબઈ ઇન્ડિયન્સ (પૉઇન્ટ ૬, રન-રેટ -૦.૬૧૩) અને ૯મા ક્રમની ચેન્નઈ સુપર કિંગ્સ (પૉઇન્ટ ૮, રન-રેટ -૦.૧૮૧)ની હવે બે-બે લીગ મૅચ બાકી છે અને એ રમ્યા પછી એના ખેલાડીઓ ઘરભેગા થઈ જશે.
જોકે બન્ને ટીમ તરફથી ૨૦૨૩ના વર્ષની આઇપીએલ વિશે ઘણી આશા વ્યક્ત કરવામાં આવી છે.
શેન બૉન્ડ શું કહે છે?
ન્યુ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ બોલર શેન બૉન્ડ મુંબઈ ઇન્ડિયન્સનો બોલિંગ-કોચ છે. તેણે ખાસ કરીને લેફ્ટ-આર્મ ઑસ્ટ્રેલિયન પેસ બોલર સેમ્સનાં ખૂબ વખાણ કર્યાં છે. ગુરુવારે વાનખેડેમાં સેમ્સે ૧૬ રનમાં ૩ વિકેટ લેતાં ચેન્નઈની ટીમ માત્ર ૯૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ અને પછી મુંબઈએ પાંચ વિકેટના માર્જિનથી ૧૫મી ઓવરમાં મૅચ જીતી લીધી હતી. આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ બૉન્ડે કહ્યું કે ‘મુંબઈના બોલર્સને આ સીઝનમાં સેટલ થવામાં થોડો સમય જરૂર લાગ્યો, પણ છેલ્લી કેટલીક મૅચોમાં તેમણે જે પર્ફોર્મ કર્યું અને જે સુધારો કર્યો એનાથી ટીમને આવતી સીઝનમાં ઘણો ફાયદો થશે. છેલ્લી અમુક મૅચોમાં અમારા બોલર્સ વધુ આક્રમક હતા અને વધુ સંખ્યામાં શૉર્ટ બૉલ ફેંક્યા હતા. એટલું જ નહીં, મુશ્કેલ સ્થિતિમાં ખેલાડીઓ મગજ શાંત રાખીને રમ્યા. કેટલીક ખરાબ ઓવરોએ જ અમને આ સ્પર્ધાની બહાર કરી દીધા. જોકે છેલ્લી મૅચોમાં એવું નથી બન્યું જે મારી દૃષ્ટિએ સુધારો કહેવાય.’
શેન બૉન્ડ અન્ય બોલર્સમાં જસપ્રીત બુમરાહ ઉપરાંત નવા બોલર્સ રિતિક શોકીન અને કાર્તિકેય સિંહના પર્ફોર્મન્સથી પણ ખુશ છે.
ધોની યુવાનોથીયે ફિટ
૪૦ વર્ષનો ચેન્નઈનો સુકાની ધોની ટીમમાં પોતાનાથી ૨૦ વર્ષ નાના ખેલાડીઓથી પણ વધુ ચપળ છે. તે પહેલાં જેવી જ ફિટનેસને કારણે હજી વધુ આઇપીએલ સીઝન રમી શકે છે. તે હજી આવતા વર્ષની આઇપીએલ પણ રમશે એવો સંકેત તેણે ગુરુવારે મુંબઈ સામેના પરાજય પછી આપ્યો હતો. તેણે ૨૦૨૩ની આઇપીએલ સીઝનના પ્લાનની તૈયારી કરી રાખી હોવાનો સંકેત આપ્યો હતો.
ધોનીએ કહ્યું કે ‘આ સીઝનમાં અમે કેટલીક સકારાત્મક બાબતો અનુભવી જેનો આવતી સીઝનમાં ઉપયોગ કરીશું. ફાસ્ટ બોલર્સ મુકેશ ચૌધરી અને સિમરનજિત સિંહે બહુ સારી બોલિંગ કરી.’ આવતા વર્ષે દીપક ચાહર (૧૪ કરોડ) અને એડમ મિલ્ન (૧.૯૦ કરોડ રૂપિયા) ઈજામુક્ત થઈને પાછા રમવા આવી જશે એટલે ચેન્નઈનું પેસ-આક્રમણ હરીફો માટે ઘાતક બની જશે.

 આ સીઝનમાં મારી શરૂઆત ખરાબ હતી, પરંતુ મેં અપ્રોચ બદલ્યો એટલે પર્ફોર્મન્સ પણ સુધરી ગયો. પહેલાં હું બૅટર્સ પર જ ફોકસ રાખતો, પણ પછી મેં મારી ક્ષમતા મુજબ બોલિંગ કરી એટલે વિકેટ મળવા માંડી. - ડૅનિયલ સેમ્સ
cricket news sports news sports ipl 2022