ભારત-પાકિસ્તાનમાં જન્મેલા ઓપનરોએ ઓમાનને જિતાડ્યું

18 October, 2021 04:28 PM IST  |  Oman | Gujarati Mid-day Correspondent

પપુઆ ન્યુ ગિની સામેની મૅચમાં ઓમાનને જીતવામાં કોઈ તકલીફ નહોતી પડી, કારણ કે એના આ બે ઓપનરોએ ૧૩.૪ ઓવરમાં જ લક્ષ્યાંક મેળવી લીધો હતો

અલ અમેરાતમાં ગઈ કાલે યજમાન ઓમાનને વિજય અપાવનાર જતિન્દર સિંહ (જમણે) અને અકીબ ઇલ્યાસ. જતિન્દરનો જન્મ ભારતના પંજાબ રાજ્યમાં અને અકીબનો પાકિસ્તાનના પંજાબ પ્રાન્તમાં થયો હતો. (તસવીર : એ.એફ.પી.)

ટી૨૦ વર્લ્ડ કપના ગઈ કાલે ક્વૉલિફાયર રાઉન્ડની ગ્રુપ ‘બી’ની પ્રથમ મૅચ સાથે શ્રીગણેશ થયા હતા અને એમાં આ ટુર્નામેન્ટના એક આયોજક ઓમાનનો વિજય થયો હતો. ભારતના પંજાબના લુધિયાણા શહેરમાં જન્મેલા જતિન્દર સિંહ (અણનમ ૭૩, ૪૨ બૉલ, ૪ સિક્સર, ૭ ફોર) અને પાકિસ્તાનના પંજાબના સિયાલકોટ શહેરમાં જન્મેલા અકીબ ઇલ્યાસ (અણનમ ૫૦, ૪૩ બૉલ, ૧ સિક્સર, ૫ ફોર)ની ઓપનિંગ જોડીએ ઓમાનને ૩૮ બૉલ બાકી રાખીને ૧૦ વિકેટે આસાન વિજય અપાવ્યો હતો.

અખાતના ઓમાન દેશમાં ગઈ કાલે પુરુષોના ટી૨૦ વર્લ્ડ કપના આરંભ પહેલાંની વિધિ દરમ્યાન ઘોડા પર સવાર વિવિધ દેશોના ધ્વજ સાથે મહિલાઓ.  (તસવીર : એ.એફ.પી.)

આ વર્લ્ડ કપ યુએઈમાં તેમ જ ઓમાનમાં યોજાવાનો છે અને ગઈ કાલની પ્રારંભિક મૅચ ત્યાંના અલ અમેરાતમાં રમાઈ હતી.

પપુઆ ન્યુ ગિની સામેની મૅચમાં ઓમાનને જીતવામાં કોઈ તકલીફ નહોતી પડી, કારણ કે એના આ બે ઓપનરોએ ૧૩.૪ ઓવરમાં જ લક્ષ્યાંક મેળવી લીધો હતો. ઓમાનને ૧૩૦ રનનો ટાર્ગેટ મળ્યો હતો જે વિના વિકેટે મેળવી લેવામાં આવ્યો હતો. એ પહેલાં, પપુઆ ન્યુ ગિનીએ બૅટિંગ મળ્યા પછી ઝીરોમાં જ પહેલી બે વિકેટ ગુમાવ્યા પછી ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૨૯ રન બનાવ્યા હતા, જેમાં કૅપ્ટન અસદ વાલાના ૫૬ રન અને ચાર્લ્સ એમિનીના ૩૭ રનનો સમાવેશ હતો. ઓમાન વતી કૅપ્ટન અને લેફ્ટ-આર્મ સ્પિનર ઝિશાન મક્સૂદે ચાર તેમ જ બિલાલ ખાન અને કલીમુલ્લાએ બે-બે વિકેટ લીધી હતી. ઝિશાનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

ગઈ કાલની બીજી મૅચ (બંગલા દેશ-સ્કૉટલૅન્ડ) પણ આ જ મેદાન પર રમાઈ હતી.

ઓમાનમાં ગઈ કાલની બીજી મૅચ બંગલાદેશ અને સ્કૉટલૅન્ડ વચ્ચે રમાઈ હતી અને એ જોવા આવેલા પ્રેક્ષકોમાં મોટા ભાગના લોકો બંગલાદેશ તરફી હતા.

3000

ગઈ કાલે ઓમાન અને પપુઆ ન્યુ ગિનીની મૅચના આયોજક અલ અમેરાત ગ્રાઉન્ડમાં કુલ આટલા પ્રેક્ષકો બેસી શકે એટલી જ જગ્યા છે.

sports sports news cricket news t20 world cup oman