ભારતીય મહિલા ટીમ માટે બે દિવસ પહેલાં જ બનાવી રાખવામાં આવી હતી ચૅમ્પિયન-જર્સી

20 November, 2025 11:31 AM IST  |  Mumbai | Harit N Joshi

સેમી ફાઇનલમાં વિજય મેળવ્યા બાદ ખાનગીમાં આૅર્ડર અપાયો હતો અને ફાઇનલમાં સાઉથ આફ્રિકાની આઠમી વિકેટ પડ્યા બાદ સ્ટેડિયમમાં લાવવામાં આવી હતી

મહિલા ટીમની ફાઇલ તસવીર

બીજી નવેમ્બરે ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને પ્રથમ વાર વન-ડે ચૅમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો હતો. જીત બાદ દરેક ખેલાડીઓએ ચૅમ્પિયન લખેલી જર્સી પહેરીને સેલિબ્રેશન કરતાં ઘણા ચાહકોને આશ્ચર્ય થયું હતું કે આટલી જલદી આ સ્પેશ્યલ  જર્સી આવી ક્યાંથી?

એનું રહસ્ય હવે જાણવા મળ્યું છે. ક્રિકેટ બોર્ડના એક સૂત્રે આપેલી માહિતી પ્રમાણે ચૅમ્પિયન-જર્સી બનાવવાના કાર્યને ટૉપ-સીક્રેટ રાખવામાં આવ્યું હતું. આની પહેલ એક જ વ્યક્તિએ કરી હતી અને તેણે જ એકલે હાથે એને પાર પણ પાડી હતી. ભારતીય ટીમે સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો કે તરત જ આ ચૅમ્પિયન-જર્સીનું મિશન શરૂ થઈ ગયું હતું. ટીમના એક પણ ખેલાડીને જાણ નહોતી કે તેમના માટે આ સ્પેશ્યલ જર્સી તૈયાર રાખવામાં આવી છે.

ટીમની આ ઐતિહાસિક ક્ષણને વધુ સ્પેશ્યલ અને યાદગાર બનાવવામાં માટે તૈયાર કરવામાં આવેલા જર્સીના બૉક્સને હોટેલની એક રૂમમાં રાખવામાં આવ્યું હતું અને ફાઇનલમાં સાઉથ આફ્રિકાની આઠમી વિકેટ પડી કે તરત જ એને હોટેલથી સ્ટેડિયમમાં લઈ આવવામાં આવ્યું હતું.

સદ્નસીબે ફાઇનલનું પરિણામ ભારતની ફેવરમાં આવ્યું, પણ જો કંઈ અજુગતું બન્યું હોત તો આ બૉક્સ સદાયને માટે ક્રિકેટ બોર્ડના કોઈ ગોદામના એક ખૂણામાં પડ્યું રહ્યું હોત.

ભારતમાં મહિલા ક્રિકેટરોએ ઘણા સમય સુધી પુરુષ ટીમની જર્સીમાંથી બનાવેલી જર્સી પહેરવી પડતી હતી ત્યારે તેમના માટે થયેલા આ ખાસ પ્રયાસે જીતને વધુ યાદગાર બનાવી દીધી હતી.

womens world cup india indian cricket team harmanpreet kaur Jemimah rodrigues deepti sharma cricket news sports sports news