જોગેશ્વરીના અજાઝના છે ૨૦ કઝિન્સ : ફૅમિલીના વૉટ્સઍપ-ગ્રુપમાં મચી ધમાલ

05 December, 2021 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજાઝ પટેલનો જન્મ અને ઉછેર મુંબઈના જોગેશ્વરીમાં થયો હતો

અજાઝ પટેલના કઝિન ઓવૈસે પુત્ર મોહમ્મદ ઝિયાન સાથે વાનખેડેમાં મૅચ માણી હતી (તસવીર : હરિત એન. જોશી)

વાનખેડે સ્ટેડિયમમાં માત્ર પચીસ ટકા પ્રેક્ષકોને પ્રવેશની છૂટ છે છતાં તેમની બૂમ અને ચીસો પરથી લાગે જાણે અડધું કે પોણું સ્ટેડિયમ ભરેલું છે. શુક્રવારે મૅચના પ્રથમ દિવસે સ્પિનર અજાઝ પટેલે ભારતની ચારેચાર વિકેટ લીધી હતી ત્યારે તેની દરેક વિકેટ વખતે પ્રેક્ષકોમાં સન્નાટો છવાઈ જતો હતો અને ગઈ કાલે તો અજાઝે કમાલ જ કરી હતી. ભારતની બાકીની છ (પ્રથમ ઇનિંગ્સમાં તમામ દસેદસ) વિકેટ લઈને પોતાને ૧૪૪ વર્ષ જૂની ટેસ્ટ-ક્રિકેટની રેકૉર્ડ-બુકમાં લાવી દીધો છે.
અજાઝ પટેલનો જન્મ અને ઉછેર મુંબઈના જોગેશ્વરીમાં થયો હતો. ત્યાંની મેમણ કૉલોની મુંબઈનો ખૂબ જાણીતો વિસ્તાર છે. મૂળ ભરૂચ જિલ્લાનો તેનો પરિવાર અજાઝના બાળપણ દરમ્યાન ન્યુ ઝીલૅન્ડમાં સ્થાયી થયો હતો. તેના ઘણા ફૅમિલી-મેમ્બરો બે દિવસથી વાનખેડેમાં મૅચ જોવા આવે છે. અજાઝના ૨૦ કઝિન્સ છે જેમણે વાનખેડેમાં આવીને પોતાના બંધુને પહેલી વાર સ્ટેડિયમમાં ઇન્ટરનૅશનલ મૅચ રમતો જોવાનો લહાવો લેવાનો પ્લાન મૅચ પહેલાં જ બનાવી લીધો હતો. એમાંના તેના એક કઝિન ઓવૈસે પુત્ર મોહમ્મદ ઝિયાન સાથે મૅચ માણી હતી. ઓવૈસે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મારા ભાઈના પર્ફોર્મન્સ વિશે હું કેટલો ખુશ છું એ હું શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી. મને તેનો આ પર્ફોર્મન્સ જિંદગીભર યાદ રહી જશે. અમે તેને મુંબઈમાં રમતો જોવાની રાહ જોઈ રહ્યા હતા અને જુઓ, તેણે કેવું જબરદસ્ત પર્ફોર્મ કર્યું! તે અમારા પરિવારનો પહેલો પ્રોફેશનલ ક્રિકેટર છે.’
ઓવૈસ એક જાણીતી સ્પોર્ટ્સ બ્રૅન્ડ માટેનો સ્ટોર-મૅનેજર છે. અજાઝે શુક્રવારે પુજારા અને કોહલી જેવા ટોચના બૅટર્સ સહિત ચાર વિકેટ અને પછી તો બધી ૧૦ વિકેટની સિદ્ધિ મેળવી એ સાથે તેના પરિવારના વૉટ્સઍપ-ગ્રુપમાં ધમાલ મચી ગઈ છે. અજાઝ પર અભિનંદનની વર્ષા તો થઈ જ છે, પરિવારજનોમાં ખુશીનો અભૂતપૂર્વ માહોલ છે.
જોગેશ્વરીમાં હજી પણ અજાઝના પરિવારની માલિકીનું ઘર છે. તેની મમ્મી ઓશિવરાની એક સ્કૂલમાં ટીચર હતી અને પપ્પા રેફ્રિજરેશનના બિઝનેસમાં હતા. અજાઝે અગાઉ ઘણી વાર વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સની મૅચ જોઈ હતી. પોતાના જ દેશના અને મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર મિચલ મૅક્લેનેગનની મદદથી ક્યારેક અજાઝને મુંબઈ ઇન્ડિયન્સના બૅટર્સ માટે નેટ બોલર બનવાનો મોકો પણ મળ્યો હતો.

sports sports news cricket news india new zealand