વીરુના ટી૨૦ વર્લ્ડ કપ ટૉપ ઑર્ડરમાં કોહલીને ‘નો એન્ટ્રી’

29 June, 2022 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં કેવા અને કયા ખેલાડીઓનો સમાવેશ કરવો એ વિશે ભારતના ક્રિકેટ-નિષ્ણાતો પોતપોતાનાં મંતવ્ય આપી રહ્યા છે

વીરુના ટી૨૦ વર્લ્ડ કપ ટૉપ ઑર્ડરમાં કોહલીને ‘નો એન્ટ્રી’

આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં કેવા અને કયા ખેલાડીઓનો સમાવેશ કરવો એ વિશે ભારતના ક્રિકેટ-નિષ્ણાતો પોતપોતાનાં મંતવ્ય આપી રહ્યા છે, પરંતુ ભૂતપૂર્વ આક્રમક ઓપનર વીરેન્દર સેહવાગે ટીમના શરૂઆતના બૅટર્સના સિલેક્શનની બાબતમાં ધડાકો કર્યો છે. તેણે ટોચના ત્રણ બૅટર્સ તરીકે રોહિત શર્મા, ઈશાન કિશન અને કે. એલ. રાહુલનાં નામ આપ્યાં છે, પરંતુ વિરાટ કોહલીની બાદબાકી કરી નાખી છે.
ભારત છેલ્લા ટી૨૦ વર્લ્ડ કપમાં નૉકઆઉટ સ્ટેજ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યું હતું. કોહલીના સુકાનમાં ભારત સેમી ફાઇનલમાં તો નહોતું પહોંચી શક્યું, ટીમ ઇન્ડિયાએ પહેલી વાર વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે પરાજય જોવો પડ્યો હતો.
તમામ ભારતીય ટીમની કૅપ્ટન્સી છોડી ચૂકેલો કોહલી હાલમાં ટી૨૦ ટીમનો વનડાઉન બૅટર છે. સેહવાગે એક મુલાકાતમાં કહ્યું છે કે ‘ભારત પાસે ટી૨૦માં હવે ઘણા હાર્ડ-હિટર્સ છે અને એમાં ટોચના ત્રણ બૅટર્સ માટે હું રોહિત, ઈશાન અને કે. એલ. રાહુલને જ ઑસ્ટ્રેલિયા મોકલવાનું પસંદ કરીશ. મારી દૃષ્ટિએ રાઇટ-હૅન્ડ અને લેફ્ટ-હૅન્ડના કૉમ્બિનેશન તરીકે રોહિત-ઈશાન અને રાહુલ-ઈશાન બહુ સારા પાર્ટનર્સ સાબિત થઈ શકશે.’

ઉમરાન મલિકને મેલબર્ન મોકલવો જોઈએ : વીરેન્દર સેહવાગ

વીરેન્દર સેહવાગનું માનવું છે કે જમ્મુ-કાશ્મીરના યુવાન ફાસ્ટ બોલર ઉમરાન મલિકને વર્લ્ડ કપ માટે ઑસ્ટ્રેલિયા મોકલવો જોઈએ. વીરુએ કહ્યું કે ‘થોડા સમયથી હું ઉમરાન મલિકની બોલિંગથી ખૂબ પ્રભાવિત થયો છું. ટી૨૦ વર્લ્ડ કપ માટેના બોલિંગના પ્લાનમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમીની સાથે બાવીસ વર્ષનો ઉમરાન મલિક હોવો જ જોઈએ. આઇપીએલે ભારતને ઘણા આશાસ્પદ યંગ બોલર્સ આપ્યા છે અને એ બધામાં ઉમરાનની આવડત અને કાબેલિયત એવી છે જે તેને લાંબા ગાળે ભારતનાં ત્રણેય ફૉર્મેટની ટીમ સુધી લઈ જશે.’

sports news cricket news virat kohli