News In Shorts: ખેલ જગતમાં શું બન્યું, વાંચો અહીં...

06 April, 2021 02:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ બોર્ડના ઍન્ટિ કરપ્શન યુનિટના ચીફ બન્યા ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી શબીર ખંડવાવાલા; હાફ સેન્ચુરી ચૂકી જતાં બૅટ્સમૅને ફીલ્ડરને ઢોરમાર મારતાં બેભાન થયો; કોરોનાને લીધે રશિયન ઓપન અને ઇન્ડોનેશિયન માસ્ટર્સ રદ

પ્રતીકાત્મક તસવીર

ક્રિકેટ બોર્ડના ઍન્ટિ કરપ્શન યુનિટના ચીફ બન્યા ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી શબીર ખંડવાવાલા

ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી શબીર હુસેન શેખાદમ ખંડવાવાલાને ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના ઍન્ટિ કરપ્શન યુનિટના ચીફ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ અજિત સિંહની જગ્યા લેશે. અજિત સિંહે આ વાતની પુષ્ટિ કરી હતી. રાજસ્થાનના ભૂતપૂર્વ ડીજીપી રહી ચૂકેલા અજિત સિંહે એપ્રિલ ૨૦૧૮માં બીસીસીઆઇના ઍન્ટિ કરપ્શન યુનિટના ચીફ તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમનો કાર્યકાળ ૩૧ માર્ચે પૂરો થયો હતો.

ખંડવાવાલા ૧૯૭૩ બૅચના આઇપીએસ ઑફિસર છે. પોતાની નિમણૂક વિશે વાત કરતાં ખંડવાવાલાએ કહ્યું કે મારા માટે આ ગર્વની વાત છે કે હું વિશ્વની બેસ્ટ ક્રિકેટ નિયમન સંસ્થા બીસીસીઆઇ સાથે જોડાઈ રહ્યો છું. સુરક્ષાની બાબતમાં મારા અનુભવના આધારે હું તેમને મારી આ મનપસંદ રમતમાં મદદરૂપ થવાનો પ્રયાસ કરીશ. હું મારા પૂરોગામી અજિત સિંહને પણ સારું કામ કરવા બદલ શુભેચ્છા આપું છું.

 

હાફ સેન્ચુરી ચૂકી જતાં બૅટ્સમૅને ફીલ્ડરને ઢોરમાર મારતાં બેભાન થયો

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આયોજિત એક ક્રિકેટ મૅચ દરમ્યાન ૨૩ વર્ષનો બૅટ્સમૅન ૪૯ રને કૅચઆઉટ થતાં એટલો રોષે ભરાયો કે તેણે બૉલ કૅચ કરનાર ફીલ્ડરને પોતાના બૅટ વડે ઢોરમાર માર્યો હતો, જેને લીધે એ ફીલ્ડર બેભાન થઈ ગયો હતો.

શહેરના પોલીસ અધિકારી રામનરેશ પચૌરીએ આ ઘટનાની વિગતવાર જાણકારી આપતાં કહ્યું કે સચિન પરાશર નામના ફીલ્ડરને ગંભીર હાલતમાં સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને બૅટ્સમૅન સંજય પાલિયાને હત્યાનો પ્રયાસ કરવા બદલ આરોપી ગણવામાં આવ્યો છે. આ ઘટના શનિવારે બની હતી.

પચૌરીએ કહ્યું કે ‘સંજય ૪૯ રને બૅટિંગ કરતો હતો ત્યારે પરાશરે તેનો કૅચ પકડી લીધો હતો. ત્યાર બાદ સંજય દોડીને પરાશર પાસે પહોંચ્યો અને તેને બૅટ વડે મારવા લાગ્યો. અન્ય ખેલાડીઓએ તેને આમ કરતાં અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરાશરને હાલમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તે હજી પણ બેભાન છે.’

 

કોરોનાને લીધે રશિયન ઓપન અને ઇન્ડોનેશિયન માસ્ટર્સ રદ

બૅડ્મિન્ટન વર્લ્ડ ફેડરેશન (બીડબ્લ્યુએફ)એ ગઈ કાલે જણાવ્યા પ્રમાણે કોરોનાના પ્રતિબંધને લીધે રશિયન ઓપન ૨૦૨૧ અને ઇન્ડોનેશિયન માસ્ટર્સ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી છે.

એક સ્ટેટમેન્ટમાં બીડબ્લ્યુએફે કહ્યું કે ‘હાલમાં ચાલી રહેલા કોરોનાના કેર અને પ્રતિબંધોને લીધે સ્થાનિક આયોજકો પાસે આ ટુર્નામેન્ટ રદ કર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી. નૅશનલ બૅડ્મિન્ટન ફેડરેશન ઑફ રશિયા અને બૅડ્મિન્ટન ઇન્ડોનેશિયાએ બીડબ્લ્યુએફ સાથે મળીને આ નિર્ણય સંયુક્તપણે લીધો છે.’

રશિયન ઓપન ૨૦-૨૫ જુલાઈ દરમ્યાન જ્યારે ઇન્ડોનેશિયન માસ્ટર્સ ૫-૧૦ ઑક્ટોબર દરમ્યાન યોજાવાની હતી. જૂન મહિનામાં થનારી કૅનેડા ઓપનને પણ કોરોનાને લીધે રદ કરવામાં આવી હતી. ૨૪-૨૯ ઑગસ્ટ દરમ્યાન થનારી હૈદરાબાદ ઓપન યોજવી કે રદ કરવી એ વિશે હજી સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી.

sports sports news