ન્યુઝ શોર્ટમાં : ટી૨૦ સિરીઝમાંથી વિરાટ કોહલીને આરામ અપાશે?

12 May, 2022 12:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ ક્રિકેટ ન રમેલાઓ ૭થી ૧૦ કરોડ કમાઈ રહ્યા છે : યુવરાજ; બૅન્ગકૉકની બૅડ‍્મિન્ટનમાં ભારતીયો છેલ્લી મૅચ હાર્યા અને વધુ સમાચાર

વિરાટ કોહલી

ટી૨૦ સિરીઝમાંથી વિરાટ કોહલીને આરામ અપાશે?

વિરાટ કોહલી મહિનાઓ સુધી સતત રમી રહ્યો હોવાને કારણે આગામી ૯-૧૯ જૂન દરમ્યાન ભારતમાં સાઉથ આફ્રિકા સામે રમાનારી પાંચ મૅચની ટી૨૦ સિરીઝમાંથી આરામ લેશે એવું જાણવા મળ્યું છે. આ આરામને કારણે કોહલી ઇંગ્લૅન્ડ સામેની બાકી રહેલી એકમાત્ર ટેસ્ટ પહેલાં પૂરતી ઊર્જા પાછી મેળવી શકશે એવું માનવામાં આવે છે. પાંચ ટી૨૦ દિલ્હી, કટક, વિશાખાપટનમ, રાજકોટ અને બૅન્ગલોરમાં રમાવાની છે.

 

ઇન્ટરનૅશનલ ક્રિકેટ ન રમેલાઓ ૭થી ૧૦ કરોડ કમાઈ રહ્યા છે : યુવરાજ

ટી૨૦ ક્રિકેટના અને ખાસ કરીને ટી૨૦ લીગના વધી રહેલા ફેલાવાને કારણે ટેસ્ટ-ક્રિકેટને ધીમે-ધીમે ઘસારો પહોંચી રહ્યો છે. કેટલાક ખેલાડીઓ માટે ટેસ્ટ-મૅચ સૌથી મૂલ્યવાન છે, જ્યારે યુવરાજ સિંહનું થોડું જુદું જ કહેવું છે. યુવીએ એક સ્પોર્ટ્સ પ્રોગ્રામને સંબોધતાં કહ્યું હતું, ‘વધુ ને વધુ લોકો ટી૨૦ ફૉર્મેટની મૅચો વધુ રમવાનું પસંદ કરે છે. લોકોને પણ ટી૨૦ વધુ જોવી ગમે છે, જેની સીધી અસર ટેસ્ટ-ક્રિકેટ પર પડી રહી છે. ઘણા ખેલાડીઓ વિચારતા હશે કે ટી૨૦ રમવાના જો ૫૦ લાખ રૂપિયા મળતા હોય તો માત્ર પાંચ લાખ રૂપિયા આપતી પાંચ દિવસીય એક ટેસ્ટ રમવા પાછળ શું કામ મહેનત કરવી. ઘણા ખેલાડીઓ ઇન્ટરનૅશનલ મૅચ પણ નથી રમ્યા હોતા અને તેઓ ૭થી ૧૦ કરોડ રૂપિયા બનાવે છે. ટી૨૦નો ક્રેઝ જોતાં વન-ડે ક્રિકેટને પણ માઠી અસર થઈ શકે.’

 

બૅન્ગકૉકની બૅડ‍્મિન્ટનમાં ભારતીયો છેલ્લી મૅચ હાર્યા

બૅન્ગકૉકમાં ભારતના પુરુષ અને મહિલા બૅડ‍્મિન્ટન પ્લેયરો પોતપોતાની અંતિમ મૅચ હારી ગયા હતા. થોમસ કપમાં ભારતીય પુરુષ પ્લેયરોનો ચાઇનીઝ તાઇપેઇ સામે ૧-૪થી અને ઉબેર કપમાં મહિલા પ્લેયર્સનો કોરિયા સામે ૦-૫થી પરાજય થયો હતો. જોકે ભારતની આ બન્ને ટીમો ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.

 

જ્યોતિનો સાયપ્રસમાં ગોલ્ડ : નવો રાષ્ટ્રીય વિક્રમ રચ્યો

આંધ્ર પ્રદેશની બાવીસ વર્ષની રનર જ્યોતિ યારાજીએ મંગળવારે સાયપ્રસમાં આંતરરાષ્ટ્રીય ઍથ્લેટિક્સ સ્પર્ધાની ૧૦૦ મીટર હર્ડલ્સ ઇવેન્ટમાં છેલ્લી પળોમાં નંબર-વન થઈને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તેણે આ વિઘ્ન દોડ ૧૩.૨૩ સેકન્ડમાં પૂરી કરીને નવો રાષ્ટ્રીય વિક્રમ પણ રચ્યો હતો. તેણે ૨૦૦૨ની સાલનો અનુરાધા બિસ્વાલનો ૧૩.૩૮ સેકન્ડનો નૅશનલ રેકૉર્ડ તોડ્યો હતો. જ્યોતિએ ગયા મહિને ઓડિશામાં ૧૦૦ મીટર હર્ડલ્સ ૧૩.૦૯ સેકન્ડમાં પૂરી કરી હતી, પરંતુ ત્યારે પવનની ઝડપ +૨.૧ માઇલ્સ પર સેકન્ડ હતી જે +૨.૦ માઇલ્સ પર સેકન્ડની નિયમ મુજબની સ્વીકાર્ય ઝડપ કરતાં વધુ હતી.

 

જૉકોવિચે અવ્વલ રહેવા રોમમાં સેમીમાં પહોંચવું જ પડશે

સર્બિયાનો વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયર નોવાક જૉકોવિચ મંગળવારે રોમમાં ઇટાલિયન ઓપનમાં પોતાની પહેલી મૅચ જીત્યો હતો જેમાં તેણે બીજા રાઉન્ડમાં રશિયાના અસ્લાન કારાત્સેવને ૬-૩, ૬-૨થી હરાવ્યો હતો. જૉકોવિચ રોમમાં ૬૦મી મૅચ જીત્યો છે અને છઠ્ઠા ટાઇટલ માટે રમી રહ્યો છે. જો જૉકોવિચ આ સ્પર્ધાની સેમી ફાઇનલમાં પહોંચશે તો જ વર્લ્ડ નંબર-વનનું સ્થાન જાળવી શકશે. નહીં તો, રશિયાનો ડેનિલ મેડવેડેવ ફરી નંબર-વન થઈ જશે.

 

ફિફાની લોકપ્રિય વિડિયો ગેમ હવે નહીં જોવા મળે

ફુટબૉલનું સંચાલન કરતી ફિફાની ઈએ સ્પોર્ટ્સ સાથેની ભાગીદારી લંબાવવામાં ન આવી હોવાથી હવે ફિફા વિડિયો ગેમ નહીં જોવા મળે. એના બદલે હવે વર્ષ ૨૦૨૩થી ઈએ સ્પોર્ટ્સ એફસી નામની ગેમ શરૂ કરવામાં આવશે જે ફુટબૉલપ્રેમીઓ માટે તો રસપ્રદ બનશે જ, નવા સૉકરલવર્સને પણ આકર્ષશે.

sports sports news