ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

04 July, 2022 03:28 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારત અને શ્રીલંકા મહિલાઓની આજે રમાશે બીજી વન-ડે અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

માલ્કમ ન હસે ત્યાં સુધી દેખાય જ નહીં કહેનારા અધિકારી સસ્પેન્ડ

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેવોન માલ્કમ જ્યાં સુધી હસે નહીં (તેના સફેદ દાંત ન દેખાય) ત્યાં સુધી તો ખબર જ ન પડે કે તે ઊભા છે, એવું કહેનાર અધિકારીને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે સસ્પેન્ડ કર્યા છે. આ પહેલાં પાકિસ્તાની મૂળના અઝીમ રફીકના યૉર્કશર ક્રિકેટ કાઉન્ટી ક્લબ સામેના આક્ષેપોને કારણે ઇંગ્લિશ બોર્ડ પહેલેથી જ શરમજનક સ્થિતિમાં હતું અને હવે અધિકારીના વિધાનથી વધુ મુસીબતમાં મુકાયું છે. ડેવોન માલ્કમે ૪૦ ટેસ્ટમાં ૧૨૮ વિકેટ લીધી હતી.

 

ભારત અને શ્રીલંકા મહિલાઓની આજે રમાશે બીજી વન-ડે

પલ્લેકેલમાં ભારત-શ્રીલંકાની મહિલા ટીમની આજે બીજી વન-ડે છે. ટી૨૦ શ્રેણી ૨-૧થી જીતી લેનાર હરમનપ્રીત કૌરની ટીમ ૧-૦થી સરસાઈ ધરાવે છે અને આજે જીતીને વન-ડે સિરીઝની ટ્રોફી પર પણ કબજો કરવા કોઈ કસર નહીં છોડે. ભારતની ચિંતા ખાસ કરીને ઓપનિંગ જોડીની છે. વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના અને શફાલી વર્મા થોડાઘણા રન બનાવે છે, પણ મોટી ઇનિંગ્સ રમવામાં તેઓ નિષ્ફળ રહી છે.

 

આયરલૅન્ડના લાંબા પ્રવાસ પહેલાં મિચલ સૅન્ટનરને કોવિડ

ન્યુ ઝીલૅન્ડના ઑલરાઉન્ડર અને ટી૨૦ ટીમના કૅપ્ટન મિચલ સૅન્ટનરનો કોવિડની ટેસ્ટને લગતો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તે હમણાં આયરલૅન્ડની ટૂર પર નહીં જાય. કિવીઓ ૧૦ જુલાઈથી ડબ્લિનમાં ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમશે અને પછી ત્રણ ટી૨૦ રમાશે એટલે ટી૨૦ શ્રેણી પહેલાં જ સૅન્ટનર ટીમ સાથે કદાચ જોડાઈ જશે.

 

વિમ્બલ્ડનનાં સન્ડે સ્પેશ્યલ્સ

વિમ્બલ્ડનમાં ગઈ કાલે ચેક રિપબ્લિકની મૅરી બૉઉઝકોવા ફ્રાન્સની કૅરોલિન ગાર્સિયાને ૭-૫, ૬-૨થી હરાવીને પહેલી વાર ગ્રૅન્ડ સ્લૅમની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી હતી. એ પહેલાં બે વાર વિમ્બ્લડન ચૅમ્પિયન બનેલી પેટ્રા ક્વિટોવાને ચોથા નંબરની ખેલાડી સ્પેનની પોઉલા બડોસાએ ત્રીજા રાઉન્ડમાં ૭-૫, ૭-૪થી હરાવી હતી. 

sports sports news cricket news