ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

30 June, 2022 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટી૨૦ના રૅન્કિંગમાં બાબરે કોહલીનો વિક્રમ તોડ્યો અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

હૂડાને ૧૦૪ રને ૧૦૪ની રૅન્ક પર પહોંચાડ્યો

ભારતના બૅટર દીપક હૂડાને મંગળવારની આયરલૅન્ડ સામેની મૅચ ફળી છે. મૅચ-વિનિંગ ૧૦૪ રન બનાવનાર હૂડાએ ટી૨૦ રૅન્કિંગમાં ૪૧૪ ક્રમની છલાંગ લગાવી છે અને તે ૧૦૪ નંબર પર આવી ગયો છે. તેણે ૨૬ જૂનની પ્રથમ ટી૨૦માં ૪૭ રન બનાવ્યા હતા. મંગળવારે ૭૭ રન બનાવનાર સંજુ સૅમસનની રૅન્ક સુધરીને ૧૪૪ થઈ ગઈ છે. જોકે ઈશાન કિશન ૭મી રૅન્ક પર ઊતરી ગયો છે.

 

ટી૨૦ના રૅન્કિંગમાં બાબરે કોહલીનો વિક્રમ તોડ્યો

ટી૨૦ના રૅન્કિંગમાં સૌથી વધુ સમય નંબર વનના સ્થાને રહેવામાં વિરાટ કોહલીનો ગયા દાયકામાં તેના સુવર્ણકાળ દરમ્યાન કુલ ૧૦૧૩ દિવસનો વિક્રમ હતો, પરંતુ ગઈ કાલે પાકિસ્તાનના બાબર આઝમે એને પાર કરી લીધો હતો. સૌથી વધુ ૮૧૮ પૉઇન્ટ સાથે બાબર ઘણા સમયથી નંબર વન હતો જ અને હવે તેણે કોહલીનો ૧૦૧૩ દિવસનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો છે.

 

બ્રિટિશ ક્રિકેટરો ૧૭ વર્ષે પાકિસ્તાન જશે

આગામી સપ્ટેમ્બરમાં ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમ સાત ટી૨૦ રમવા પાકિસ્તાનના પ્રવાસે જશે. બ્રિટિશ ટીમ (૨૦૦૫ પછી પહેલી વાર) ૧૭ વર્ષે પાકિસ્તાન આવશે. માત્ર લાહોર અને કરાચીમાં જ મૅચ રાખવાનું નક્કી થઈ રહ્યું છે. દરમ્યાન પાકિસ્તાન દર વર્ષે પોતાને ત્યાં ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે ટી૨૦ ટ્રાય-સિરીઝ રાખવાની યોજના બનાવે છે.

 

લાયનના તરખાટ પછી શ્રીલંકાનો વળતો જવાબ

શ્રીલંકાએ ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ ૩-૨થી જીતી લીધી ત્યાર પછી ગઈ કાલે પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ૨૧૨ રનમાં ઑલઆઉટ થયા પછી પૅટ કમિન્સના સુકાન હેઠળ રમતા ઑસ્ટ્રેલિયનોની ૯૩ રનમાં ત્રણ વિકેટ લઈને વળતો પ્રહાર કર્યો હતો. સ્પિનર નૅથન લાયનની પાંચ વિકેટ અને બીજા સ્પિનર મિચલ સ્વેપસનની ત્રણ વિકેટને કારણે શ્રીલંકનો એકમાત્ર નિરોશાન ડિકવેલા (૫૯ બૉલમાં ૫૮ રન)ની હાફ સેન્ચુરીને લીધે ફક્ત ૨૧૨ રન બનાવી શક્યા હતા. શ્રીલંકામાં સિંહાલીઓનું શાસન છે અને એ દેશની ટીમે ગઈ કાલે કાંગારૂ તરીકે ઓળખાતા ઑસ્ટ્રેલિયનોની ૮૩ રનમાં ત્રણ વિકેટ લઈ લીધી હતી અને રમતને અંતે તેમનો સ્કોર ૯૮/૩ હતો. ઓપનર ઉસ્માન ખ્વાજા ૪૭ રને અને ટ્રેવિસ હેડ ૬ રને રમી રહ્યો હતો. બે વિકેટ ઑફ-સ્પિનર રમેશ મેન્ડિસે લીધી હતી અને સ્ટીવ સ્મિથ (૬) રનઆઉટ થયો હતો.

 

મલેશિયામાં સિંધુ અને કશ્યપ જીત્યાં, સાઇના હારી

ક્વાલા લમ્પુરમાં મલેશિયા ઓપન સુપર ૭૫૦ ટુર્નામેન્ટમાં ગઈ કાલે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ થાઇલૅન્ડની પૉર્નપાવી ચૉચુવૉન્ગને ૨૧-૧૩, ૨૧-૧૭થી હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચી હતી, પરંતુ સાઇના નેહવાલનો અમેરિકાની આઇરિસ વૉન્ગ સામે ૩૭ મિનિટમાં ૧૧-૨૧, ૧૭-૨૧થી પરાજય થયો હતો. કિદામ્બી શ્રીકાંત ઈજા પછીના કમબૅકમાં સાઉથ કોરિયાના હીઓ ક્વાન્ગ હી સામે ૨૧-૧૨, ૨૧-૧૭થી જીતીને સેકન્ડ રાઉન્ડમાં પહોંચી ગયો હતો.

sports sports news cricket news