ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

23 June, 2022 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનમાં સિલેક્ટ ન થતાં ક્રિકેટરનો સુસાઇડનો પ્રયાસ; ભારતને ૨૦૦૫ની ફાઇનલમાં લઈ જનાર રુમેલી ધર નિવૃત્ત થઈ અને વધુ સમાચાર

વર્ષના સૌથી લાંબા દિવસની મૅચમાં પરોઢિયે ૪.૪૩ વાગ્યે ફેંકાયો પ્રથમ બૉલ : મંગળવાર ૨૧ જૂનનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હતો અને એ દિવસે પરોઢિયે ઇંગ્લૅન્ડના લિવરપુલમાં સેફ્ટન પાર્ક ક્રિકેટ ક્લબની બે ટીમ વચ્ચે ટી૨૦ રમાઈ હતી. આ સૉલ્સટાઇસ કપ ક્રિકેટ મૅચની ખાસિયત એ હતી કે એનો સૌથી પહેલો બૉલ પરાઢિયે ૪.૪૩ વાગ્યે ફેંકાયો હતો. અર્લી રાઇઝર્સ સામેના આ મુકાબલામાં લૉન્ગ શેડોઝ નામની ટીમે છેલ્લા બૉલમાં બે રન બનાવીને ૧૬૦ રનનો લક્ષ્યાંક બે વિકેટના માર્જિનથી મેળવી લીધો હતો. ૨૦૧૧થી દર વર્ષે વર્ષના સૌથી લાંબા દિવસે (૨૧ જૂને) આ ક્લબ પરોઢની શરૂઆત થતાં જ (૪.૪૩ વાગ્યે) મૅચ શરૂ કરે છે. ગયા વર્ષથી મહિલા ક્રિકેટરો પણ આ યાદગાર મૅચમાં રમે છે. ગયા વર્ષે પુરુષ અને મહિલાઓની સંયુક્ત ટીમ રમવા ઊતરી હતી. એ.એફ.પી.

પાકિસ્તાનમાં સિલેક્ટ ન થતાં ક્રિકેટરનો સુસાઇડનો પ્રયાસ

પાકિસ્તાનમાં સિંધ પ્રાન્તના હૈદરાબાદ શહેરમાં રહેતા શોએબ નામના નવયુવાન ફાસ્ટ બોલરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આંતર-શહેર સ્પર્ધા માટેની હોમ-ટીમમાં પોતાનો સમાવેશ ન થતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેણે બાથરૂમમાં જઈને હતાશામાં પોતાનું કાંડું કાપી નાખ્યું હતું. તે બેભાન થઈ ગયો હતો. પરિવારજનોએ જાણ થતાં તરત જ હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો.

 

ભારતને ૨૦૦૫ની ફાઇનલમાં લઈ જનાર રુમેલી ધર નિવૃત્ત થઈ

ભારતની મહિલા ટીમનું એક વન-ડેમાં નેતૃત્વ સંભાળનાર અને ૨૦૦૫માં મહિલા ટીમને વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં લઈ જવામાં મોટી ભૂમિકા ભજવનાર ૩૮ વર્ષની રુમેલી ધરે તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ રાઇટ-હૅન્ડ બૅટર અને મીડિયમ પેસ બોલરે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું. કલકત્તામાં જન્મેલી રુમેલીએ ૭૮ વન-ડેમાં ૯૬૧ રન બનાવવા ઉપરાંત ૬૩ વિકેટ લીધી હતી. તે ૪ ટેસ્ટ અને ૧૮ ટી૨૦ પણ રમી હતી. તેણે નાનપણથી ક્રિકેટ રમવાનું શરૂ કરીને ૨૩ વર્ષથી રમતી હતી. તે ૨૦૧૨માં છેલ્લી વન-ડે રમી હતી. જોકે ૨૦૧૮માં તે આખરી ઇન્ટરનૅશનલ મૅચ (ટી૨૦) રમી હતી.

 

લંડનમાં ઝહીર અબ્બાસ ન્યુમોનિયા બાદ ઑક્સિજન પર

પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન ઝહીર અબ્બાસને લંડનમાં ન્યુમોનિયા થવાને પગલે આઇસીયુમાં દાખલ કરાયા છે અને ઑક્સિજન સપોર્ટ પર છે. ૧૯૭૯ અને ૧૯૮૦ના દાયકાના સૌથી લોકપ્રિય બૅટર્સમાં ગણાતા અબ્બાસને દુબઈથી લંડન પહોંચતી વખતે કોરોનાનો વાઇરસ લાગ્યો હતો અને લંડન પહોંચતાં જ તેમને ન્યુમોનિયા હોવાનું જણાયું હતું. તેમનું પૂરું નામ સૈયદ ઝહીર અબ્બાસ કિરમાણી છે. તેમણે ૧૯૬૯થી ૧૯૮૫ સુધીમાં ૧૪૦ ઇન્ટરનૅશનલ મૅચમાં કુલ ૭૬૦૦થી વધુ રન કર્યા હતા.

 

પુત્ર વર્લ્ડ સ્વિમિંગનો મેડલ જીત્યો, પિતા યુદ્ધ લડે છે

યુક્રેનનો સ્વિમર માયખેઇલો રોમનચુક મંગળવારે હંગેરીની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ૮૦૦ મીટરની ફ્રીસ્ટાઇલમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. તે આ હરીફાઈમાં ત્રીજો આવવા બદલ બેહદ ખુશ હતો, પરંતુ તેના સૈનિક-પિતાની તેને ચિંતા હતી, કારણ કે તેઓ ચાર મહિનાથી યુક્રેનમાં રશિયન દળો સામેના યુદ્ધમાં લડી રહ્યા છે. તે પિતાને ફોન કરવા નથી માગતો, કારણ કે જો તે એમ કરે તો તેના પિતા ક્યાં છે એની માહિતી રશિયન દળને મળી શકે છે.

 

સેરેના વિલિયમ્સની એક વર્ષે કમબૅક-વિક્ટરી

મંગળવારે ઇંગ્લૅન્ડના ઈસ્ટબૉર્નમાં ડબલ્સની મૅચ જીતી લીધા પછી ચાહકોનું અભિવાદન ઝીલી રહેલી અમેરિકાની ૪૦ વર્ષની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ. સૌથી વધુ ૨૩ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલી સેરેનાએ ટ્યુનિશિયાની ઑન્સ જૅબ્યર સાથેની જોડીમાં સ્પેનની સારા સૉરિબેસ ટોર્મો અને ચેક રિપબ્લિકની મૅરી બૉઉઝકોવા સામે ૨-૬, ૬-૩, ૧૩-૧૧થી વિજય મેળવ્યો હતો. સેરેના એક વર્ષે પાછી રમવા આવી છે અને પહેલી જ મૅચ જીતી લીધી છે. સેરેના આ મૅચ રમવા ઊતરી ત્યારે પ્રેક્ષકોએ ઊભા થઈને તેને વેલકમ કર્યું હતું અને ૯૦ મિનિટ પછી તે જીતી ત્યારે પ્રેક્ષકોએ ફરી તેને સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું હતું. સોમવારે વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ શરૂ થશે.

 

sports sports news