ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

15 May, 2022 11:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શૂટિંગના જુનિયર વિશ્વકપમાં ભારત ૧૬ મેડલ સાથે અગ્રેસર અને વધુ સમાચાર

હાર્યા પછી પણ કોહલીનો કરિશ્મા શુક્રવારે પંજાબ સામે બૅન્ગલોરની હાર થયા પછી પણ વિરાટ કોહલી સારા મૂડમાં હતો. આ સીઝનમાં ત્રણ ગોલ્ડન ડકના શિકાર કોહલીએ પ્રેક્ષકોના પોતાના પ્રત્યેના સપોર્ટને ધ્યાનમાં રાખીને મૅચના અંતે પંજાબના ખેલાડીઓ સાથે મજાક-મસ્તી કરી હતી. (તસવીર : બીસીસીઆઇ/આઇપીએલ)

મૅક્લમને બદલે કર્સ્ટનને કોચ કેમ ન બનાવ્યો? : વૉન

ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર બ્રેન્ડન મૅક્લમને ટેસ્ટ-ટીમનો હેડ-કોચ બનાવ્યો એને પગલે દેશમાં કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ આ પગલાને બિરદાવી રહ્યા છે, પરંતુ ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને ભારતના સર્વશ્રેષ્ઠ કોચ તરીકે ઓળખાતા સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી ગૅરી કર્સ્ટનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘મૅક્લમ કરતાં કર્સ્ટનને કોચ બનાવ્યો હોત તો સાચો નિર્ણય કહેવાત.’ 

 

શૂટિંગના જુનિયર વિશ્વકપમાં ભારત ૧૬ મેડલ સાથે અગ્રેસર

જર્મનીમાં ચાલતા જુનિયર નિશાનબાજોના વર્લ્ડ કપમાં ભારતે શુક્રવારે વધુ બે સિલ્વર મેડલ જીતી લેતાં નંબર વનના સ્થાને ભારતની સ્થિતિ વધુ મજબૂત થઈ હતી. કુલ ૮ ગોલ્ડ અને ૮ સિલ્વર સાથે ભારત નંબર વન હતું અને ઑસ્ટ્રેલિયા તથા અમેરિકાથી ઘણું આગળ હતું. ભારતને વધુ બે રજતચંદ્રક શૉટગનની ટીમ ઇવેન્ટમાં મળ્યા હતા. મહિલાઓમાં પ્રીતિ રાજક, સબીરા હૅરિસ અને ભવ્યા ત્રિપાઠીની ભારતીય ટીમ ફાઇનલમાં ઇટલી સામે ૨-૬થી હારી જતાં રનર-અપ રહી હતી. ભારતીય પુરુષો શાર્દુલ વિહાન, આર્ય વંશ ત્યાગી અને વિવાન કપૂરની ટીમનો ફાઇનલમાં અમેરિકા સામે ભારે સંઘર્ષ બાદ ૪-૬થી પરાજય થયો હતો.

 

ડેફલિમ્પિક્સના શૂટિંગમાં ભારત બીજા નંબરે

સાંભળી ન શકતા નિશાનબાજો માટેની ડેફલિમ્પિક્સની શૂટિંગની હરીફાઈમાં ભારતે પહેલી વાર ભાગ લીધો અને એમાં કુલ ત્રણ ગોલ્ડ અને બે બ્રૉન્ઝ સાથે બીજા નંબરે રહ્યું છે. બ્રાઝિલમાં આ ૨૪મી ડેફલિમ્પિક્સ યોજાઈ હતી, જેમાં યુક્રેન ૬ ગોલ્ડ સહિત કુલ ૧૨ ચંદ્રક સાથે પહેલા નંબરે રહ્યું છે. ભારત એકંદરે આ રમતોત્સવમાં ૭ ગોલ્ડ સહિત કુલ ૧૨ મેડલ સાથે આઠમા સ્થાને છે.

sports sports news