ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

24 January, 2022 12:27 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લેજન્ડ્સ લીગમાં નમન ઓઝાના ૧૪૦ રન પાણીમાં; જેસન હોલ્ડરે વેસ્ટ ઇન્ડીઝને પ્રથમ ટી૨૦ જિતાડી આપી અને વધુ સમાચાર

જેસન હોલ્ડર

રિઝવાન, બ્યુમોન્ટને આઇસીસીના ટી૨૦ અવૉર્ડ અપાયા

પાકિસ્તાનના વિકેટકીપર અને ઓપનિંગ બૅટર મોહમ્મદ રિઝવાનઆઇસીસી મેન્સ ટી૨૦ પ્લેયર ઑફ ધ યર જાહેર થયો છે. મહિલાઓમાં આ પુરસ્કાર ઇંગ્લૅન્ડની ટેમી બ્યુમોન્ટને મળ્યો છે. ૨૦૨૧ના વર્ષમાં રિઝવાન ટી૨૦નો સર્વોચ્ચ ખેલાડી હતો. તેણે ૨૯ મૅચમાં ૧૩૨૬ રન બનાવ્યા હતા, જેમાં એક સદીનો સમાવેશ હતો. તેણે વિકેટની પાછળ કુલ બાવીસ શિકાર પણ કર્યા હતા. મહિલાઓમાં બ્યુમોન્ટે ૨૦૨૧માં ટી૨૦માં સૌથી વધુ રન બનાવ્યા હતા તેમ જ ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં તે ટૉપ-સ્કોરર (૧૦૨ રન) હોવા ઉપરાંત પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ પણ જીતી હતી.

 

લેજન્ડ્સ લીગમાં નમન ઓઝાના ૧૪૦ રન પાણીમાં

મસ્કતમાં શનિવારે લેજન્ડ્સ લીગ ટી૨૦ ક્રિકેટમાં ઇન્ડિયા મહારાજાસ ટીમ સામે વર્લ્ડ જાયન્ટ્સનો ૩ બૉલ બાકી રાખીને ૩ વિકેટના માર્જિનથી વિજય થયો હતો. મહારાજાસે નમન ઓઝા (૧૪૦ રન, ૬૯ બૉલ, ૯ સિક્સર, ૧૫ ફોર) અને કૅપ્ટન કૈફના અણનમ ૫૩ રનની મદદથી ૩ વિકેટે ૨૦૯ રન બનાવ્યા હતા. જાયન્ટ્સ ટીમે ૧૯.૩ ઓવરમાં ૭ વિકેટે જે ૨૧૦ રન બનાવ્યા એમાં કેવિન પીટરસનના ૫૩ રન અને ઇમરાન તાહિરના પાંચ સિક્સર, ત્રણ ફોરની મદદથી બનેલા અણનમ બાવન રન હતા.

 

જેસન હોલ્ડરે વેસ્ટ ઇન્ડીઝને પ્રથમ ટી૨૦ જિતાડી આપી

બ્રિજટાઉનમાં શનિવારે પાંચ મૅચવાળી સિરીઝની પહેલી ટી૨૦માં વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લૅન્ડને ૧૭ બૉલ બાકી રાખીને ૯ વિકેટના ‌માર્જિનથી હરાવ્યું હતું. પેસ બોલર જેસન હોલ્ડર (૩.૪-૧-૭-૪) આ મૅચનો હીરો હતો. તેના તરખાટથી બ્રિટિશ ટીમ ૧૦૩ રનમાં ઑલઆઉટ થઈ ગઈ ત્યાર બાદ કૅરિબિયન ટીમે ૧૭.૧ ઓવરમાં એક વિકેટે ૧૦૪ રન બનાવી લીધા હતા, જેમાં ઓપનર બ્રેન્ડન કિંગના હાઇએસ્ટ અણનમ બાવન રન હતા.

sports sports news cricket news