ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

20 January, 2022 01:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બૉય્સની ૪ બૉલમાં ૪ વિકેટ છતાં મેલબર્નની હાર; મંધાના આઇસીસીની ટીમમાં અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

બૉય્સની ૪ બૉલમાં ૪ વિકેટ છતાં મેલબર્નની હાર

ઑસ્ટ્રેલિયાનો સ્પિનર કૅમેરન બૉય્સ બિગ બૅશ લીગ (બીબીએલ)માં ચાર બૉલમાં ચાર વિકેટ લેનારો પહેલો બોલર બન્યો છે. સિડની થન્ડરે ૮ વિકેટે ૧૭૦ રન બનાવ્યા હતા જેમાં ઉસ્માન ખ્વાજાના ૭૦ રન હતા. મેલબર્ન રેનેગેડ્સ વતી કૅમેરને એક ઓવરના છેલ્લા બૉલમાં ઍલેક્સ હેલ્સને આઉટ કર્યા બાદ પોતાની પછીની ઓવરના પહેલા ત્રણ બૉલમાં સંઘા, ઍલેક્સ રૉસ અને સૅમ્સને આઉટ કર્યા હતા. ઑસ્ટ્રેલિયામાં ૪ બૉલમાં ૪ વિકેટ લેવાય એને ‘ડબલ હૅટ-ટ્રિક’ કહેવાય છે. મલિન્ગાએ ૨૦૦૭ના વર્લ્ડ કપમાં ૪ બૉલમાં ૪ શિકાર કર્યા હતા. કૅમેરને ગઈ કાલે બીબીએલમાં પોતાની પછીની ઓવરના પ્રથમ બૉલમાં પણ વિકેટ લીધી હતી જે તેની પાંચમી હતી. મેલર્બનની ટીમ ફિન્ચના ૮૨ અને ઉન્મુક્ત ચંદના ૨૯ રન છતાં ૭ વિકેટે ૧૬૯ રન બનાવી શકતાં એક જ રનથી હારી ગઈ હતી.

 

મંધાના આઇસીસીની ટીમમાં, પુરુષોની ટીમમાં ભારતીય નહીં

આઇસીસીએ ગઈ કાલે જાહેર કરેલી ટી૨૦ વિમેન્સ ટીમ ઑફ ધ યરમાં ભારતની ઓપનર સ્મૃતિ મંધાનાનો સમાવેશ છે. ૨૦૨૧ના વર્ષમાં તે આ ફૉર્મેટમાં બહુ સારું રમી હતી. જોકે પુરુષોની આઇસીસી ટી૨૦ ટીમમાં એક પણ ભારતીય ખેલાડીનો સમાવેશ નથી. પુરુષોની ટીમમાં જૉસ બટલર, મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ (કૅપ્ટન), એઇડન માર્કરમ, મિચલ માર્શ, ડેવિડ મિલર, તબ્રેઝ શમ્સી, જૉશ હૅઝલવુડ, વાનિન્ડુ હસરંગા, મુસ્તફીઝુર રહેમાન અને શાહીન શાહ આફ્રિદી સામેલ છે.

 

સિંધુ લખનઉની સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પહોંચી

ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ ગઈ કાલે લખનઉમાં સૈયદ મોદી ઇન્ટરનૅશનલ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં ભારતની જ તાન્યા હેમંતને ૨૧-૯, ૨૧-૯થી હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચી હતી. અન્ય એક મૅચમાં ભારતની કનિકા કંવલ અમેરિકાની દિશા ગુપ્તાને ૨૧-૧૫, ૧૬-૨૧, ૨૧-૬થી હરાવીને સેકન્ડ રાઉન્ડમાં પહોંચી હતી.

sports sports news