ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

27 October, 2021 03:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઋતુરાજ બન્યો મહારાષ્ટ્રનો કૅપ્ટન; હરમનપ્રીત કૌર હૉન્ગકૉન્ગની ટી૨૦ ટુર્નામેન્ટમાં કૅપ્ટન; વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનમાં શિવા અને આકાશ બીજા રાઉન્ડમાં અને વધુ સમાચાર

ઋતુરાજ ગાયકવાડ

ઋતુરાજ બન્યો મહારાષ્ટ્રનો કૅપ્ટન

આઇપીએલની તાજેતરમાં પૂરી થયેલી ૧૪મી સીઝનમાં હાઇએસ્ટ રન સાથે ચેન્નઈ સુપર કિંગ્સને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનો રોલ ભજવનાર ઋતુરાજ ગાયકવાડ આગામી સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ટુર્નામેન્ટમાં મહારાષ્ટ્ર ટીમનું નેતૃત્વ કરશે. ઋતુરાજે હાઇએસ્ટ ૬૩૫ રન સાથે પર્પલ કૅપ મેળવી હતી. આ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં મહારાષ્ટ્ર એલિટ એ-ગ્રુપમાં છે અને તેમની મૅચ લખનઉમાં રમાશે. તેમની પહેલી ટક્કર ૪ નવેમ્બરે તામિલનાડુ સામે છે. ટીમના વાઇસ-કૅપ્ટન તરીકે પહેલાં આઇપીએલમાં કલકત્તા વતી રમનાર રાહુલ ત્રિપાઠીનું નામ જાહેર થયું હતું, પણ પણ એ ફાઇનલ દરમ્યાન થયેલી ઇન્જરીમાંથી હજી સંપૂર્ણ મુક્ત થઈ શક્યો ન હોવાથી તેને બદલે નૌશાદ શેખની પસંદગી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ટીમમાં અનુભવી કેદાર જાધવનો પણ સમાવેશ છે.

 

હરમનપ્રીત કૌર હૉન્ગકૉન્ગની ટી૨૦ ટુર્નામેન્ટમાં કૅપ્ટન

ભારતીય મહિલા વન-ડે અને ટી૨૦ ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌર આવતા વર્ષે હૉન્ગકૉન્ગમાં રમાનારી ફેઇરબ્રેક્સ ઇન્વિટેશનલ ટી૨૦ ટુર્નામેન્ટની એક ટીમની કૅપ્ટન્સી કરશે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલની માન્યતાપ્રાપ્ત અને હૉન્ગકૉન્ગ ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટની પહેલી સીઝન આવતા વર્ષે ૧થી ૧૫ મે દરમ્યાન હૉન્ગકૉન્ગમાં રમાશે. હરમીનપ્રીતને આ ટુર્નામેન્ટની એક ટીમની કૅપ્ટન તરીકેની જાહેરાત

આયોજકોએ ગઈ કાલે ટ્વીટ કરીને કરી હતી. આ ટ્વીટને રીટ્વીટ કરીને હરમનપ્રીતે લખ્યું હતું કે એ આ ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહી છે અને ખૂબ ઉત્સાહી છે. હરમનપ્રીત કૌર અત્યારે ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલી મહિલા બિગ બૅશમાં મેલબર્ન ટીમ વતી રમી રહી છે. એ પહેલાં ઇંગ્લૅન્ડની ‘ધ હન્ડ્રેડ’ લીગમાં પણ રમી હતી.

 

વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનમાં શિવા અને આકાશ બીજા રાઉન્ડમાં

ભારતનો નૅશનલ ચૅમ્પિયન બૉક્સર આકાશ સાંગવાન (૬૭ કિલોગ્રામ) બેલગ્રેડમાં શરૂ થયેલી મેન્સ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. આકાશે પહેલા રાઉન્ડમાં ટર્કીના બૉક્સરને ૫-૦થી ચીત કરી દીધો હતો. બીજા રાઉન્ડમાં હવે તેનો મુકાબલો જર્મન બૉક્સર સામે થશે. બીજી તરફ પાંચ વખતના એશિયન મેડલિસ્ટ શિવા થાપા (૬૩.૫ કિલોગ્રામ) અને આ ચૅમ્પિયનશિપમાં પહેલી વાર ભાગ લેનાર રોહિત મોર (૫૭ કિલોગ્રામ) પણ પહેલા રાઉન્ડમાં ૫-૦થી શાનદાર જીત સાથે બીજા રાઉન્ડમાં પહોંચી ગયા હતા. જ્યારે એશિયન ચૅમ્પિયન સંજિત (૯૨ કિલોગ્રામ) અને સચિન કુમાર (૮૦ કિલોગ્રામ)ને પહેલા રાઉન્ડમાં બાય મળી હતી. 

sports sports news cricket news