ન્યૂઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો સમત જગતમાં શું હિલચાલ થઈ રહી છે

08 May, 2021 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાની ખેલ પર પણ અસર થઈ છે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાને લીધે ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ ક્વૉલિફાયર્સ કૅન્સલ

૨૦૨૨માં ઑસ્ટ્રેલિયામાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ માટેના યુરોપ ઝોનની ત્રણ ક્વૉલિફાયર ઇવેન્ટ કોરોનાને લીધે રદ કરી દેવામાં આવી છે. ફિનલૅન્ડમાં પ્રથમ વખત આઇસીસીની ઇવેન્ટનું આયોજન થવાનું હતું, જેમાં આવતા મહિને સબ-રીજનલ યુરોપ ‘એ’ અને ‘બી’ ઇવેન્ટ થવાની હતી. જ્યારે ત્રીજી સબ-રીજનલ યુરોપ ‘સી’ ઇવેન્ટ બેલ્જિયમમાં જુલાઈમાં થવાની હતી. યજમાનો દેશો, ભાગ લેનારી ટીમ, સરકાર, આરોગ્ય અધિકારીઓ સાથે વિસ્તારથી ચર્ચા કર્યા બાદ આ ઇવેન્ટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

નૌકાચાલક અર્જુનલાલ અને અરવિંદ સિંહે ઑલિમ્પિક્સ માટે કર્યું ક્વૉલિફાય

ભારતીય નૌકાચાલક અર્જુનલાલ જાટ અને અરવિંદ સિંહે ગઈ કાલે ટોક્યોમાં એશિયા-ઓસ્નિયા કૉન્ટિનેન્ટલ ક્વૉલિફાઇંગ ઇવેન્ટની ફાઇનલ રેસમાં બીજા નંબરે રહીને ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય કરી લીધું હતું. જોકે અન્ય એક ભારતીય નૌકાચાલક ઝાકર ખાન સિંગલ્સ ઇવેન્ટમાં ચોથા નંબરે રહેવા છતાં ક્વૉલિફાય નહોતો થઈ શક્યો, કારણ કે એક જ દેશની બે નૌકા ક્વૉલિફાય નથી કરવામાં આવતી.

 

કોરોનાને લીધે મલેશિયા ઓપન પોસ્ટપોન્ડ: સાઇના, શ્રીકાંતને આંચકો

બૅડ્મિન્ટનમાં છેલ્લી બે ઑલિમ્પિક્સ ક્વૉલિફાઇંગ ઇવેન્ટમાંની એક મલેશિયા ઓપન સુપર ૭૫૦ ટુર્નામેન્ટ કોરોનાના વધતા કેરને લીધે ગઈ કાલે પોસ્ટપોન્ડ કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ પોસ્ટપોન્ડ થતાં ભારતનાં સાઇના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંતના ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય કરવાના અરમાનને ધક્કો લાગ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ૨૫થી ૩૦ મે દરમ્યાન ક્વાલા લમ્પુરમાં યોજાવાની હતી. ઇન્ડિયા ઓપન પોસ્ટપોન્ડ થયા બાદ સાઇના અને શ્રીકાંત માટે મલેશિયા ઓપન અને સિંગાપોર ઓપન એ બે જ તક હતી. જોકે હવે મલેશિયા ઓપન ક્વૉલિફાઇંગની સમયમર્યાદામાં યોજાવાની શક્યતા નહીંવત છે.

 

ભારતીય ખેલાડીઓને કોવિશીલ્ડ વૅક્સિન લેવાની સલાહ કેમ અપાઈ?

ઇંગ્લૅન્ડની ટૂર પર જનારા ખેલાડીઓને કોરોનાની કોવિશીલ્ડ વૅક્સિન લેવાની ભલામણ કરવામાં આવી છે. એ જ વૅક્સિનની ભલામણ કરવા પાછળનું કારણ એ છે ભારતીય ટીમ ઇંગ્લૅન્ડની લાંબી ટૂર (કદાચ બીજી જૂનથી ૧૫ સપ્ટેમ્બર સુધી) જવાની છે. જો ભારતીય ટીમ અહીં પહેલો ડોઝ બીજી કોઈ વૅક્સિનનો લે તો બીજા ડોઝ માટે તકલીફ પડી શકે છે. જ્યારે કોવિશીલ્ડ ઇંગ્લૅન્ડની જ પ્રોડક્ટ છે અને ત્યાં તેઓ એનો બીજો ડોઝ લઈ શકે છે. અહીં બીજી કોઈ વૅક્સિન લેવાનો કોઈ અર્થ નહીં રહે. માટે ખાસ કોવિશીલ્ડની ભલામણ કરવામાં આવી છે.

આઇપીએલ દરમ્યાન બધા ખેલાડીઓ માટે ક્રિકેટ બોર્ડે વૅક્સિન માટેની યોજના બનાવી હતી, પણ આઇપીએલ અટકી પડતાં એ યોજના રખડી પડી છે એથી ક્રિકેટ બોર્ડે ઇંગ્લૅન્ડની ટૂર માટે સિલેક્ટ થયેલા ખેલાડીઓને તેમની અનુકૂળતાએ કોવિશીલ્ડ વૅક્સિન લઈ લેવાની સલાહ આપી છે. જોકે આ સલાહ અને આગ્રહ ફક્ત ઇંગ્લૅન્ડ ટૂર માટે જનારા ખેલાડીઓ માટે જ છે. બીજા ખેલાડીઓને જે વૅક્સિન લેવી હોય ત્યારે તેઓ લઈ શકે છે.

 

રેસલર સુમીત મલિક ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય

બલ્ગેરિયામાં ચાલી રહેલા વર્લ્ડ રેસલિંગ ક્વૉલિફાયરમાં ૧૨૫ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કૅટેગરીમાં ફાઇનલમાં પ્રવેશ કરીને ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય કરી લીધું હતું. ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય કરનાર તે ભારતનો ચોથો પુરુષ અને ઓવરઑલ સાતમો રેસલર હતો. મલિકે પહેલાં ભારત વતી રવિકુમાર દહિયા (કિલોગ્રામ), બજરંગ પુનિયા (૬૫ કિલોગ્રામ) અને દીપક પુનિયા (૮૬ કિલોગ્રામ) ક્વૉલિફાય કરી ચૂક્યાં છે.

 

નડાલ-ઓસાકા જીત્યાં લૉરિયસ સ્પોર્ટ્સ અવૉર્ડ

ગુરુવારે રાતે યોજાયેલા પ્રતિષ્ઠિત લૉરિયસ સ્પોર્ટ્સ અવૉર્ડ્સમાં ફુટબોલસ્ટાર મોમ્મદ સાલાહ અને ફૉર્મ્યુલા વન ચૅમ્પિયન લુઇસ હેમિલ્ટન સાથે ટેનિસ સ્ટાર રાફેલ નડાલ સ્પોર્ટ્સ મૅન ઑફ ધ યર અને નાઓમી ઓસાકા સ્પોર્ટ્સ વુમન ઑફ ધ યરની ટ્રોફી જીતી હતી. ૧૩મી વખત ફ્રેન્ચ ઓપન તથા વર્લ્ડ રેકૉર્ડની બરોબરી કરતાં ૨૦મા ગ્રૅન્ડ સ્લૅમ બદલ સન્માન મેળવાર નડાલ ચોથી વાર આ અવૉર્ડ જીત્યો હતો, જ્યારે ઓસાકાને બીજી વાર યુએસ ઓપન સહિત ચાર મેજર ટાઇટલ જીતવા બદલ સન્માનિત કરવામાં આવી હતી. તે બીજી વાર આ અવૉર્ડ જીતી હતી. આ સમારંભમા વર્લ્ડ ટીમ ઑફ ધ યર તરીકે બાર્યન મુનિચને સન્માનિત કરવામાં આવી હતી.

 ઇજિપ્ત અને લિવરપુલ ટીમના સ્ટ્રાઇકર મોમ્મદ સાલાહને સ્પોર્ટિંગ ઇન્સ્પિરેશન અવૉર્ડ તથા હેમિલ્ટનને ઍથ્લેટિક ઍડ્વોકેટ ઑફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવ્યો હતો. ટેનિસ જાયન્ટ બિલી જીન કિંગનું લાઇફટાઇમ  અચીવમેન્ટન અવૉર્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.

sports sports news