News In Short : થમ્સ અપે સાઇન કર્યો સિરાજને

22 September, 2021 02:41 PM IST  |  Mumbai | Agency

આ કૅમ્પેન હિન્દી અને તામિલ બન્ને ભાષામાં હશે. આ કૅમ્પેનમાં લોકોને અનેક ઇનામો જીતવા ઉપરાંત સિરાજને મળવાનો પણ મોકો મળશે. 

થમ્સ અપે સાઇન કર્યો સિરાજને

સૉફ્ટ ડિન્ક બ્રૅન્ડ ‘થમ્પ અપ’એ ભારતના યુવા સ્ટાર પેસ બોલર મોહમ્મદ સિરાજને સાઇન કર્યો છે. ‘થમ્પ અપ પલટ દે કૅમ્પેન’ દ્વારા સિરાજના એક ગરીબ પરિવારમાં જન્મ લઈને અનેક મુશ્કેલીઓનો સામનો કરીને આજે દુનિયાનો બેસ્ટ બોલર કેવી રીતે બન્યો એ દર્શાવાશે. આ કૅમ્પેન હિન્દી અને તામિલ બન્ને ભાષામાં હશે. આ કૅમ્પેનમાં લોકોને અનેક ઇનામો જીતવા ઉપરાંત સિરાજને મળવાનો પણ મોકો મળશે. 

આર. રાજા રિત્વિક બન્યો ભારતનો ૭૦મો ગ્રૅન્ડ માસ્ટર

આર. રાજા રિત્વિક ભારતનો ૭૦મો ચેસ ગ્રૅન્ડ માસ્ટર બન્યો છે. ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન અને ભારતના પ્રથમ ગ્રૅન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદે ટ્વીટ કરીને ૧૮ વર્ષના રિત્વિકને અભિનંદન આપ્યાં હતાં અને ગ્રૅન્ડ માસ્ટર ક્લબમાં તેનું સ્વાગત કર્યું હતું. રિત્વિકે ગ્રૅન્ડ માસ્ટર બનવા જરૂરી ત્રીજું અને છેલ્લું નૉર્મ હાલમાં હંગેરીમાં આયોજિત એક ઇવેન્ટમાં મેળવી લીધું હતું. તેણે પહેલુ નૉર્મ ૨૦૧૯માં મેળવ્યું હતું, પણ ત્યાર બાદ બે વર્ષના ઇંતઝાર બાદ છેલ્લા એક મહિનાના અંતરે બીજું અને ત્રીજું નૉર્મ મેળવ્યું હતું. પુણેનો હર્ષિત રાજા ગયા મહિને ભારતનો ૬૯મો ગ્રૅન્ડ માસ્ટર બન્યો હતો. 

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડમાં પાંચ મહિનામાં ફરી સીઈઓ બદલાયો

તાલિબાનના રાજમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડમાં પાંચ મહિનામાં ફરી બદલાવ થયો છે. અપ્રિલમાં ક્રિકેટ બોર્ડના સીઈઓ બનેલા હામિદ શિનવેરીના સ્થાને હવે નસીબ ખાનને નિયુક્ત કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને આ બદલાવની જાણકારી આપી હતી. બોર્ડે જણાવ્યું હતું કે બોર્ડના અધ્યક્ષ અઝિઝુલ્લાહ ફાઝલીએ નસીબ ખાનને બોર્ડનો નવા સીઈઓ બનાવ્યો છે. તેની પાસે માસ્ટર્સ ડિગ્રી છે અને તેને ક્રિકેટનું પણ સારુંએવું જ્ઞાન છે. 

બૉક્સિંગ સ્ટાર મૅની પૅક્વિઆઓ લડી રહ્યો છે રાષ્ટ્રપતિની ચૂંટણી

ફિલિપીન્સનો બૉક્સિંગ સુપરસ્ટાર મૅની પૅક્વિઆઓ તેના દેશનો રાષ્ટ્રપતિ બનવાની તૈયારી કરી રહ્યો છે. એ ગરીબીમાંથી વર્લ્ડનો સૌથી અમીર બૉક્સર બનવાની પ્રેરણાત્મક સ્ટોરી દ્વારા મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ૨૦૧૦માં પૉલિટિક્સમાં દાખલ થયેલો પૅક્વિઆઓ હાલમાં સેનેટ સભ્ય છે અને તેણે હાલના રાષ્ટ્રપતિ રૉડ્રિગો ડુટેર્જેની શાસક પાર્ટીના વિરોધ ઘટકનનો ઉમેદવાર બનવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. 

ઇસ્લામ વિરોધી ગણાવી તાલિબાને આઇપીએલ પર મૂકી દીધો બૅન

આઇપીએલની ૧૪મી સીઝનનો સેકન્ડ હાફ રવિવારથી યુએઈમાં શરૂ થઈ ગયો છે. આઇપીએલનો જાદુ મુંબઈ અને ચેન્નઈ વચ્ચેની પ્રથમ મૅચથી ફરી દુનિયાને દીવાના બનાવી રહ્યો છે ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ એને ઇસ્લામ વિરોધી ગણાવીને એના પર બૅન મૂકી દીધો છે એથી આઇપીએલ હવે અફઘાનિસ્તાનમાં ટેલિકાસ્ટ નહીં થાય. 
તાલિબાનીઓનું કહેવું છે કે આઇપીએલનું કન્ટેન્ટ ઇસ્લામનો વિરોધ કરે છે એટલે અફઘાનિસ્તાનમાં આઇપીએલનું પ્રસારણ નહીં થાય. તેમનું માનવું છે કે મૅચ દરમ્યાન ચિયર લીડર્સ 
ખુલ્લા વાળ રાખી ડાન્સ કરે છે જે ઇસ્લામિક સંસ્કૃતિની ખિલાફ છે. તાલિબાનના નવા કાયદા પ્રમાણે મહિલાઓને આવી છૂટ આપવામાં નથી આવતી.  

sports sports news cricket news