News In Short: કૉમેન્ટરી દરમ્યાન તબિયત બગડતાં પૉન્ટિંગ હૉસ્પિટલમાં

03 December, 2022 11:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટમાં કૉમેન્ટરી આપી રહ્યા હતા એ દરમ્યાન તેમને અસ્વસ્થતા લાગતાં હૉસ્પિટલ લઈ જવાયા હતા. હૉસ્પિટલમાં તેમના લિવરનું ચેકઅપ કરાવવામાં આવ્યું હતું

પોન્ટિંગ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગની તબિયત બગડતાં તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા. વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટમાં કૉમેન્ટરી આપી રહ્યા હતા એ દરમ્યાન તેમને અસ્વસ્થતા લાગતાં હૉસ્પિટલ લઈ જવાયા હતા. હૉસ્પિટલમાં તેમના લિવરનું ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. ૪૭ વર્ષના પૉન્ટિંગે ચક્કર આવ્યાની ફરિયાદ કરતાં ઑસ્ટ્રેલિયાની ટીમના ડૉક્ટર ચેકઅપ માટે હૉસ્પિટલ લઈ ગયા હતા. 

ટી૨૦ સિરીઝ  માટે ભારતીય મહિલા ટીમ જાહેર

ઑસ્ટ્રેલિયા સામે આ મહિને રમાનારી પાંચ મૅચની ટી૨૦ સિરીઝ માટે ભારતીય મહિલા ટીમની ઘોષણા કરવામાં આવી છે. ઘરઆંગણે રમાનારી આ સિરીઝમાં હરમનપ્રીત કૌર ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, તો સ્મૃતિ મંધાના વાઇસ કૅપ્ટનની જવાબદારી સંભાળશે. ઑલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર ઈજાને કારણે ટીમમાં સ્થાન મેળવી શકી નથી. પસંદગીકારોએ નવા ચહેરા તરીકે ફાસ્ટ બોલર અંજલિ સરવનીનો સમાવેશ કર્યો છે. આ ઉપરાંત અન્ય ખેલાડીઓમાં શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર, મેઘના સિંહ, દેવિકા વૈદ્ય, એમ. મેઘના, રિચા ઘોષ (વિકેટકીપર) અને હર્લિન દેઓલનો સમાવેશ છે. 

વર્લ્ડ કપ સુધી ફિટ થવા માટે માર્શ કરાવશે સર્જરી

ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર મિચલ માર્શે આવતા વર્ષે ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપ પહેલાં સંપૂર્ણપણે ફિટ રહેવા માટે પગની ઘૂંટીની સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો છે, જેને કારણે તે ઑસ્ટ્રેલિયાની ટીમનો માર્ચ મહિનાનો ભારતનો પ્રવાસ ચૂકી જશે. આઇસીસીના જણાવ્યા પ્રમાણે માર્શ ઈજાને કારણે ઘણો સમય રમી નહીં શકે. માર્શ ડાબા પગની ઘૂંટીની સમસ્યાથી પરેશાન છે. પરિણામે તે ઘરઆંગણે રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં પણ રમી શક્યો નહોતો. હવે તે સંપૂર્ણ ફિટ રહેવા માટે કીહોલ સર્જરી કરાવવાનો છે. 

આજથી નૉકઆઉટ રાઉન્ડ

કતારમાં ચાલી રહેલા ફુટબૉલ વર્લ્ડ કપમાં આજથી નૉકઆઉટ રાઉન્ડનો આરંભ થઈ રહ્યો છે. દરેક ૮ ગ્રુપમાંથી ટોચની બે ટીમ રાઉન્ડ ઑફ-16 અથવા તો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશી છે, જેમાં ગ્રુપમાં પ્રથમ ક્રમાંકે રહેલી ટીમ અને રનર્સઅપ ટીમનો સમાવેશ છે. પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં આજે પહેલી મૅચ નેધરલૅન્ડ્સ અને અમેરિકા વચ્ચે, તો બીજી મૅચ આર્જેન્ટિના અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. 

sports news sports cricket news ricky ponting