News In Short : હવે બૅટ્સમૅન નહીં પણ, બૅટર લખાશે

23 September, 2021 05:18 PM IST  |  New Delhi | Agency

ક્લબની સ્પેશ્યલિસ્ટ લૉ સબ-કમિટીએ પહેલાં આ બાબતે ચર્ચા-વિચારણા કર્યા બાદ ક્બલને આ નવા નિયમને માન્યતા આપી હતી.

પ્રતીકાત્મક તસવીર

હવે બૅટ્સમૅન નહીં પણ, બૅટર લખાશે

ક્રિકેટના નિયમોનું સંચાલન કરતી ધ મૅરિલબૉર્ન ક્રિકેટ ક્લબે નિયમોમાં એક મોટો બદલાવ કર્યો છે. ક્રિકેટમાં હવે બૅટ્સમૅન કે બૅટ્સવુમન જેવા જેન્ડર સ્પેસિફિક શબ્દને બદલે જેન્ડર-ન્યુટ્રલ શબ્દ બૅટર કે બૅર્ટ્સ શબ્દ વાપરવામાં આવશે. ક્લબની સ્પેશ્યલિસ્ટ લૉ સબ-કમિટીએ પહેલાં આ બાબતે ચર્ચા-વિચારણા કર્યા બાદ ક્બલને આ નવા નિયમને માન્યતા આપી હતી.

માર્લન સૅમ્યુઅલ્સ પર ફરી ભ્રષ્ટાચારનો આરોપ 

વેસ્ટ ઇન્ડીઝનો બદનામ ઑલરાઉન્ડર માર્લન સૅમ્યુઅલ્સ પર ફરી એક વાર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે.  ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની ઍન્ટિ કરપ્શન યુનિટે ભ્રષ્ટાચારના મામલે દોષી માની તેને નોટિસ મોકલી છે અને જવાબ આપવા માટે ૧૪ દિવસનો સમય આપવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે સૅમ્યુઅલ્સે ટી૧૦ લીગ દરમ્યાન ભષ્ટાચાર વિરોધી નિયમોનો ભંગ કર્યો છે. આ લીગ દરમ્યાન તેને મળેલી અમુક ભેટો કે સગવડોનો યોગ્ય ખુલાસો કે જાણકારી નહોતો આપી શક્યો. ૪૦ વર્ષનો સૅમ્યુઅલ્સ ૨૦૧૯માં એક ટી૧૦ લીગમાં રમ્યો હતો. તે હાશિમ આમલાના નેતૃત્વમાં કર્ણાટકા ટસ્કર્સ ટીમ વતી રમ્યો હતો. 

હતાશ પાકિસ્તાનનો દાવો, કિવીઓને ભારતે ધમકાવ્યા

ન્યુ ઝીલૅન્ડ ટીમ સિરીઝની પહેલી મૅચ રમે એ પહેલાં સિરીઝ છોડીને જતી રહેતાં અને ત્યાર બાદ ઇંગ્લૅન્ડે પણ રમવા આવવાની ના પાડતાં પાકિસ્તાન રઘવાયું થઈ ગયું છે. ગઈ કાલે પાકિસ્તાનના એક મિનિસ્ટરે આરોપ કર્યો હતો કે ન્યુ ઝીલૅન્ડને ધમકાવતો મેઇલ ભારતમાંથી આવ્યો હતો, જેને લીધે તેઓ સ્વદેશ જતા રહ્યા હતા. એક પ્રેસ કૉન્ફરન્સમાં પાકિસ્તાનના ઇન્ફર્મેશન મિનિસ્ટર ફવાડ ચૌધરીએ દાવો કર્યો હતો કે ઑગસ્ટમાં તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન મિલિટન્ટ એહસાનુલ્લાહ એહસાનના નામની ફૅક પોસ્ટ બનાવવામાં આવી હતી જેમાં ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડ અને ત્યાંની સરકારને ટીમને પાકિસ્તાન ન મોકલવાની ધમકી આપી હતી. આ મેઇલ ભારતમાંથી કરવામાં આવ્યો હતો. આને લીધે જ કિવીઓ સિરીઝ રદ કરવા મજબૂર થયા હતા. જોકે ભારતે આનો વળતો જવાબ આપ્યો હતો. ઍકસ્ટર્નલ અફેઅર્સ મિનિસ્ટરનાં પ્રવક્તા અરિન્દમ બાગ્ચીએ કહ્યું હતું કે ભારત સામે આવા પાયાવિનાના આરોપ કરવા એ કોઈ નવી વાત નથી. આવા આરોપ કરવા કરતાં તેમણે પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને કાબૂમાં લેવા મહેનત કરવી જોઈએ.’

સુઆરેઝે બે ગૉલ સાથે ટીમને ટૉપમાં પહોંચાડી

સ્ટાર ફુટબોલર લુઇસ સુઆરેઝે મોડે-મોડે બે ગૉલ કરીને તેની ટીમ ઍટલેટિકો માડ્રિડને કમબૅક કરાવીને ૨-૧થી જીત અપાવી હતી. આ જીતને લીધે માડ્રિડ ટીમ લા લીગા ટુર્નામેન્ટમાં પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી ગઈ હતી. પહેલા હાફની છેલ્લી મિનિટોમાં ગૉલ કરીને ગેટૅફ ટીમે ગૉલ કરીને લીડ લીધી હતી. જોકે ૭૪મી મિનિટે તેના એક ખેલાડીને ૧૦ રેડ કાર્ડ મળતાં તેને મેદાન છોડી જતું રહેવું પડ્યું હતું અને મૅચમાં ટર્ન આવી ગયો હતો. મૅચ પૂરી થવાની છેલ્લી ઘડીએ સુઆરેઝે ગૉલ કરીને ટીમને બરાબરીમાં લાવી દીધી હતી અને ત્યાર બાદ ઇન્જરી ટાઇમમાં ગૉલ કરીને ટીમની જીત પાક્કી કરાવી દીધી હતી. 

સુરેખા, અભિષેકનો ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ

અમેરિકામાં ચાલી રહેલી આર્ચરી વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓ જ્યોતિ સુરેખા વેન્નમ અને અભિષેક વર્માએ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. કમ્પાઉન્ડ પુરુષ અને મહિલા ક્વૉલિફિકેશન રાઉન્ડમાં જ્યોતિ છઠ્ઠી અને અભિષેક સાતમો રહ્યો હતો. 

પૅરિસ ઑલિમ્પિકમાં હવે અમારે સીધો પ્રવેશ મેળવવો છેઃ હાર્દિક 

ભારતીય હૉકી ટીમના મિડ-ફીલ્ડર હાર્દિક સિંહે કહ્યું હતું કે ટોક્યોમાં ૪૧ વર્ષે મેડલ જીત્યા બાદ હવે ટીમનું લક્ષ્ય આગામી પૅરિસ ઑલિમ્પિકમાં સીધો પ્રવેશ મેળવવાનું છે. આવતા વર્ષે ચીનમાં ૧૦થી ૨૫ સપ્ટેમ્બર દરમ્યાન મહત્ત્વપૂર્ણ એશિયન ગેમ્સ રમાવાની છે. હાર્દિક કહે છે કે ટોક્યોમાં બ્રૉન્ઝ જીત્યા બાદ હવે ભારતીય ટીમને પૅરિસમાં ગોલ્ડ જીતવો છે. આ માટે અમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને પૅરિસ માટેની ટિકિટ કન્ફર્મ કરાવી લેવાના મક્કમ ઇરાદા સાથે જઈશું.’

cricket news sports news sports