News In Short: ભારતમાં બ્લાઇન્ડ ટી૨૦ વર્લ્ડ કપ : પાકિસ્તાનની ટીમને મળશે વિઝા

02 December, 2022 12:27 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ માહિતી આ બ્લાઇન્ડ વર્લ્ડ કપના આયોજક ક્રિકેટ અસોસિએશન ફૉર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયાના પ્રમુખ મહંતેશ જી. કે.એ આપી હતી

તસવીર સૌજન્ય મિડ-ડે

ભારતમાં બ્લાઇન્ડ ટી૨૦ વર્લ્ડ કપ : પાકિસ્તાનની ટીમને મળશે વિઝા

સોમવારે ભારતમાં જોઈ ન શકતા ક્રિકેટરોનો ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે અને એમાં રમવા આવનારી પાકિસ્તાનની ટીમને વિઝા આપવામાં આવશે. આ માહિતી આ બ્લાઇન્ડ વર્લ્ડ કપના આયોજક ક્રિકેટ અસોસિએશન ફૉર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયાના પ્રમુખ મહંતેશ જી. કે.એ આપી હતી. બુધવારે ૭ ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મૅચ રમાશે. ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, નેપાલ, શ્રીલંકા અને બંગલાદેશની ટીમ પણ આ સ્પર્ધામાં ભાગ લેશે જેની મૅચો દિલ્હી, મુંબઈ, ફરીદાબાદ, ઇન્દોર તથા બૅન્ગલોરમાં રમાશે. ફાઇનલ બૅન્ગલોરમાં રમાવાની છે.

સફળ થવા પંત મનોમન સ્પષ્ટ રહે એ જરૂરી : સબા

વિકેટકીપર-બૅટર રિષભ પંત થોડા સમયથી વાઇટ-બૉલ ક્રિકેટમાં રન ન બનાવી શકતો હોવાથી અને ખાસ કરીને ન્યુ ઝીલૅન્ડ સામેની તાજેતરની સિરીઝમાં તે નિષ્ફળ ગયો એને પગલે ચર્ચા થઈ રહી છે કે પંત ભારતની મર્યાદિત ઓવર્સ માટેની ટીમમાં હોવો જોઈએ કે નહીં? આ સંબંધમાં ભૂતપૂર્વ વિકેટકીપર સબા કરીમે કહ્યું છે, ‘આ લેફ્ટ-હૅન્ડ બૅટરે લિમિટેડ ઓવર્સની ક્રિકેટમાં સફળ થવા ટેસ્ટ-સિરીઝ રમી લીધા પછી લિમિટેડ ઓવર્સમાં કેવી રીતે રમવું એ વિશે મનમાં પૂરી સ્પષ્ટતા કરી રાખવી જોઈએ.’

રાશિદ ખાન ટી૧૦માં ન્યુ યૉર્ક સ્ટ્રાઇકર્સ ટીમમાં

અબુ ધાબી ટી૧૦ ટુર્નામેન્ટની છઠ્ઠી સીઝનમાં રમવા માટે મોટા-મોટા ક્રિકેટરોનાં નામ ઉમેરાઈ રહ્યાં છે અને અફઘાનિસ્તાનનો રાશિદ ખાન એમાં લેટેસ્ટ છે. વર્તમાન ક્રિકેટમાં સૌથી ડેન્જરસ ગણાતા બોલર્સમાં રાશિદનું પણ નામ છે. ટી૨૦ ક્રિકેટમાં ૬૦૦ વિકેટ લઈ ચૂકેલા રાશિદે અબુ ધાબી ટી૧૦ માટે ન્યુ યૉર્ક સ્ટ્રાઇકર્સ ટીમ સાથે કરાર કર્યા છે.

ઑસ્ટ્રેલિયાના ૫૯૮/૪ ડિક્લેર્ડ સામે વિન્ડીઝના ૭૪

પર્થમાં પ્રથમ ટેસ્ટમાં ગઈ કાલે બીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ પહેલો દાવ ૫૯૮/૪ના સ્કોર પર ડિક્લેર કર્યો ત્યાર બાદ વેસ્ટ ઇન્ડીઝની ટીમને વિના વિકેટે ૭૪ રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાની ટીમને લબુશેન (૨૦૪ રન, ૩૫૦ બૉલ, એક સિક્સર, વીસ ફોર) અને સ્ટીવન સ્મિથ (૨૦૦ અણનમ, ૩૧૧ બૉલ, સત્તર ફોર)ની ડબલ સેન્ચુરીએ ૬૦૦ના આંકડા સુધી પહોંચાડી હતી. ટ્રેવિસ હેડ ૯૯ રન પર આઉટ થયો હતો. સ્ટીવન સ્મિથે ૨૯મી સદીથી દેશના લેજન્ડ સર ડૉન બ્રૅડમૅનની બરાબરી કરી હતી.

sports sports news cricket news test cricket