ન્યુ ઝીલૅન્ડના સૌથી વયોવૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર જૉન રીડનું નિધન

15 October, 2020 02:40 PM IST  |  new zealands oldest cricketer john reid no more | PTI

ન્યુ ઝીલૅન્ડના સૌથી વયોવૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર જૉન રીડનું નિધન

ન્યુ ઝીલૅન્ડના સૌથી વયોવૃદ્ધ ટેસ્ટ-ક્રિકેટર તેમ જ ભૂતપૂર્વ કૅપ્ટન જૉન રીડનું ગઈ કાલે નિધન થયું છે

ન્યુ ઝીલૅન્ડના સૌથી વયોવૃદ્ધ ટેસ્ટ-ક્રિકેટર તેમ જ ભૂતપૂર્વ કૅપ્ટન જૉન રીડનું ગઈ કાલે નિધન થયું છે. તેઓ ૯૨ વર્ષના હતા. ૧૯૫૦થી ૧૯૬૦ના દસકામાં તેમણે વિશ્વના બેસ્ટ ઑલરાઉન્ડર તરીકે ખ્યાતિ મેળવી હતી. ન્યુ ઝીલૅન્ડ વતી તેમણે ૩૪ ટેસ્ટમાં કૅપ્ટન તરીકેની ફરજ બજાવી હતી અને કિવી ટીમે ટેસ્ટની પ્રથમ ત્રણ જીતનો સ્વાદ તેમના નેતૃત્વ હેઠળ જ ચાખ્યો હતો.
જૉન રીડના નિધન પર શોક વ્યક્ત કરતાં ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ વાઇટે કહ્યું કે ‘તેમના માર્ગમાં જેકોઈ આવ્યું તેને તેમણે મદદ કરી છે. દેશ તેમને હંમેશાં યાદ રાખશે. અમારા વિચાર અને લાગણીઓ તેમના પરિવારજનો સાથે છે.’
જૉન રીડનો જન્મ ઓકલૅન્ડમાં થયો હતો અને તેમણે પોતાનું ભણતર વેલિંગ્ટનમાં પૂરું કર્યું હતું.  ૨૪૬ ફર્સ્ટ ક્લાસ મૅચમાં તેમણે ૪૧.૩૫ની ઍવરેજથી ૧૬,૧૨૮ રન બનાવ્યા હતા જેમાં ૩૯ સેન્ચુરી સામેલ છે અને તેમણે ૪૬૬ વિકેટ પણ મેળવી હતી.
૧૯ વર્ષની ઉંમરમાં તેમણે ૧૯૪૯માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. રાઇટ હૅન્ડ બૅટ્સમૅન અને સીમ બોલર રીડે ૧૬ વર્ષની કરીઅરમાં ૫૮ ટેસ્ટમાં ૩૩.૨૮ની ઍવરેજથી ૩૪૨૮ રન બનાવવા ઉપરાંત ૮૫ વિકેટ મેળવી હતી. ૬ સેન્ચુરી ફટકારવામાં સફળ થયેલા રીડે ૧૯૬૧માં સાઉથ આફ્રિકા સામે જોહનિસબર્ગમાં પોતાનો સર્વોચ્ચ ૧૪૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ૧૯૬૫માં રિટાયર થયા બાદ તેમણે ન્યુ ઝીલૅન્ડના સિલેક્ટર, મૅનેજર અને આઇસીસીના મૅચ રેફરી તરીકે ફરજ બજાવી હતી. ૧૯૫૯માં તેઓ વિઝ્‍ડન ક્રિકેટર ઑફ ધ યર તરીકે સિલેક્ટ થયા હતા.

new zealand sports news cricket news