10 November, 2025 02:10 PM IST | Auckland | Gujarati Mid-day Correspondent
ઈશ સોઢીએ ૩૪ રનમાં ૩ વિકેટ લીધી હતી
વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રીજી T20 મૅચ ૨-૧થી જીતીને ન્યુ ઝીલૅન્ડે પાંચ મૅચની સિરીઝમાં ૨-૧થી લીડ મેળવી છે. યજમાન ટીમે ૯ વિકેટ ગુમાવીને ૧૭૭ રન કર્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૬૮ રન કરીને ઑલઆઉટ થઈ હતી. પહેલી મૅચ મહેમાન ટીમે ૭ રને અને બીજી મૅચ યજમાન ટીમે ૩ રને જીતી હતી. આ પહેલી એવી T20 સિરીઝ છે જેમાં ૩ મૅચમાં ૧૦થી ઓછા રનથી જીત મળી હોય.
ડેવોન કૉન્વેએ ૩૪ બૉલમાં ૬ ફોર અને બે સિક્સરના આધારે ૫૬ રન કરીને ન્યુ ઝીલૅન્ડને મજબૂત શરૂઆત અપાવી હતી. પચીસ રનની અંદર ૬ વિકેટ પાડીને કૅરિબિયનોએ રનની ગતિને ધીમી પાડી હતી.
૧૭૮ રનના ટાર્ગેટ સામે વેસ્ટ ઇન્ડીઝે ૧૨.૩ ઓવરમાં ૮૮ રનના સ્કોર પર આઠ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી વેસ્ટ ઇન્ડીઝે ૮૦ રન ઉમેરીને રન-ચેઝમાં આઠમી વિકેટ બાદ સૌથી વધુ રન ફટકારવાનો રેકૉર્ડ કર્યો હતો. રોમારિયો શેફર્ડ અને શમર સ્પ્રિંગરે નવમી વિકેટ માટે ૭૮ રનની ભાગીદારી કરી હતી જે ફુલ મેમ્બર નેશન તરફથી ૯ કે દસમી વિકેટ માટે કરેલી સૌથી મોટી પાર્ટનરશિપ હતી.
રોમારિયોએ ૩૪ બૉલમાં ૪૯ રન અને શમરે ૨૦ બૉલમાં ૩૯ રનની તાબડતોબ ઇનિંગ્સ રમી છતાં કૅરિબિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુ ઝીલૅન્ડ માટે ભારતીય મૂળના સ્પિનર ઈશ સોઢીએ ૩૪ રન આપી ૩ વિકેટ લઈને સૌથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.