ન્યુ ઝીલૅન્ડ નંબર-વનથી ૦.૧૪ પૉઇન્ટ દૂર રહી ગયું

15 December, 2020 01:34 PM IST  |  Wellington | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ નંબર-વનથી ૦.૧૪ પૉઇન્ટ દૂર રહી ગયું

વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાનમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહેલી બીજી અને છેલ્લી ટેસ્ટના ગઈ કાલે ચોથા દિવસે ન્યુ ઝીલૅન્ડે એક ઇનિંગ્સ અને ૧૨ રનથી જીતીને સિરીઝ ૨-૦થી કબજે કરી લીધી હતી. પ્રથમ ટેસ્ટ કિવીઓએ એક ઇનિંગ્સ અને ૧૩૪ રનથી જીતી લીધી હતી. ટેસ્ટ સિરીઝ પહેલાં રમાયેલી ટી૨૦ સિરીઝ પણ કિવીઓેએ ૨-૦થી જીતી લીધી હતી.

આઇસીસીએ ટ્વીટ કરીને ખુલાસો કર્યો

આ જીત સાથે ન્યુ ઝીલૅન્ડના ટેસ્ટ રૅન્કિંગ્સમાં ઑસ્ટ્રેલિયા જેટલા જ ૧૧૬ પૉઇન્ટ થઈ ગયા છે. પણ ડેસિમલ પૉઇન્ટની ગણતરી કરતાં ઑસ્ટ્રેલિયાએ એનો નંબર-વનનો તાજ જાળવી રાખ્યો હતો અને કિવીઓ બીજા નંબરે રહ્યા હતા. ઑસ્ટ્રેલિયા અને કિવીઓ સંયુક્ત રીતે નંબર-વન કે કિવીઓ પ્રથમ વાર નંબર-વન બની ગયું એવી ચર્ચા વચ્ચે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે ટ્વીટ કરીને ખુલાસો કર્યો હતો કે ટેસ્ટ રૅન્કિંગ્સમાં પ્રથમ સ્થાન માટે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે, પણ ઑસ્ટ્રેલિયા હજી પણ ૧૧૬.૪૬૧ પૉઇન્ટ સાથે નંબર-વન પર જ છે. ન્યુ ઝીલૅન્ડ ૧૧૬.૩૭૫ પૉઇન્ટ સાથે એનાથી થોડું પાછળ છે. એ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં પણ ૩૦૦ પૉઇન્ટનો આંકડો મેળવી લીધો છે. 

એક ઇનિંગ્સ અને ૧૨ રનથી પરાજય

વેસ્ટ ઇન્ડીઝની હાર રવિવારે ત્રીજા દિવસે જ નક્કી થઈ ગઈ હતી, પણ કૅપ્ટન જેસન હોલ્ડરની લડાયક હાફ સેન્ચુરી અને વરસાદને લીધે એક દિવસ તેઓ મોડી ટાળવામાં સફળ થયા હતા. ત્રીજા દિવસના અંતે તેમણે ૬ વિકેટે ૨૪૪ બનાવ્યા હતા અને સતત બીજી ટેસ્ટમાં એક ઇનિંગ્સથી હારની નામોશી ટાળવા ૮૫ રનની જરૂર હતી અને ચાર વિકેટ હાથમાં હતી. જોકે ચોથા દિવસે બાકીની ચાર વિકેટ ૭૩ રનમાં ગુમાવી દેતાં બન્ને ટેસ્ટમાં એક ઇનિંગ્સથી કારમી હાર સાથે વાઇટવૉશની નામોશી જોવી પડી હતી. હોલ્ડર ગઈ કાલે વધુ એક રનનો જ ઉમેરો કરી શક્યો હતો અને ૬૧ રન બનાવીને ટીમ સાઉધીના બૉલમાં બોલ્ડ થઈ ગયો હતો. પહેલી ટેસ્ટ રમી રહેલો વિકેટકીપર-બૅટ્સમૅન જેશુઆ સિલ્વાએ ૫૭ રન સાથે પ્રથમ ટેસ્ટમાં જ હાફ સેન્ચુરી ફટકારી હતી. નિકોલસ હીરો, જૅમિસન સુપરહીરો

પહેલી ઇનિંગ્સમાં કરીઅર-બેસ્ટ ૧૭૪ રન ફટકારનાર હેન્રી નિકોલસને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે સિરીઝમાં સૌથી વધુ ૧૧ વિકેટ લેનાર કાયલ જૅમિસનને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

sports sports news cricket news new zealand west indies test cricket