બીજી ટેસ્ટના પહેલા દિવસે પાકિસ્તાન ૨૯૭ રનમાં ઑલઆઉટ

04 January, 2021 04:22 PM IST  |  Christchurch | Gujarati Mid-day Correspondent

બીજી ટેસ્ટના પહેલા દિવસે પાકિસ્તાન ૨૯૭ રનમાં ઑલઆઉટ

પ્રતીકાત્મક તસવીર

ન્યુ ઝીલૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે ગઈ કાલે બીજી અને અંતિમ ટેસ્ટ મૅચ શરૂ થઈ હતી જેમાં પાકિસ્તાને ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં ૨૯૭ રન બનાવ્યા હતા. આટલા રન કરવામાં આખી ટીમ પૅવિલિયનભેગી થઈ ગઈ હતી.

મોહમ્મદ રીઝવાનના નેતૃત્વમાં રમી રહેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત નબળી રહી હતી. ટીમે ત્રીજી ઓવરના ત્રીજા બૉલમાં જ ઓપનર શાન મસૂદ (ઝીરો)ની વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ આબિદ અલી (25), હૅરિસ સોહિલ (૧) અને ફવાદ આલમ (૨) સસ્તામાં આઉટ થતાં પાકિસ્તાનની ટીમ ફસડાઈ પડી હતી. સામા પક્ષે વનડાઉન પ્લેયર અઝહર અલી ટીમનો સ્કોર આગળ વધારતો હતો, પણ તેને કોઈ પ્લેયરનો સાથ નહોતો મળી રહ્યો. કૅપ્ટન મોહમ્મદ રીઝવાને અઝહર અલી સાથે મળીને પાંચમી વિકેટ માટે ૮૮ રનની પાર્ટનરશિપ કરી હતી. રીઝવાન ૭૧ બૉલમાં ૧૧ ચોગ્ગા ફટકારી ૬૧ રને કાયલ જેમિસનનો શિકાર થયો હતો. અઝહર અલીએ ટીમ વતી સૌથી વધારે ૧૭૨ બૉલમાં ૧૨ ચોગ્ગાની મદદથી ૯૩ રન બનાવ્યા હતા અને તે પોતાની સેન્ચુરી ચૂકી ગયો હતો. ફહીમ અશરફે ૮૮ બૉલમાં ૪૮ રન બનાવ્યા હતી, જેમાં આઠ ચોગ્ગા સામેલ હતા. ઝફાર ગોહર ૩૪ રન બનાવીને આઉટ થયો હતો.

ન્યુ ઝીલૅન્ડ વતી કાયલ જેમિસને સૌથી વધારે પાંચ વિકેટ લીધી હતી, જ્યારે ટિમ સાઉધી અને ટ્રેન્ટ બોલ્ટને બે-બે વિકેટ અને મૅટ હેન્રીને અઝહર અલીની એકમાત્ર મહત્ત્વપૂર્ણ વિકેટ પ્રાપ્ત થઈ હતી. ન્યુ ઝીલૅન્ડની ટીમ આજે પોતાની પહેલી ઇનિંગ રમવા મેદાનમાં ઊતરશે.

sports sports news cricket news new zealand pakistan