ડેવોન કોનવેની અણનમ 99ની ઇનિંગને લીધે ન્યુ ઝીલૅન્ડનો વિજય

23 February, 2021 12:44 PM IST  |  Christchurch

ડેવોન કોનવેની અણનમ 99ની ઇનિંગને લીધે ન્યુ ઝીલૅન્ડનો વિજય

ડેવોન કોનવે

ન્યુ ઝીલૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ ટી૨૦ મૅચની સિરીઝની પહેલી મૅચમાં ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડે ૫૩ રનથી જીતીને ૧-૦થી લીડ લઈ લીધી હતી. ઑસ્ટ્રેલિયાએ પહેલાં ટૉસ જીતીને ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો અને ન્યુ ઝીલૅન્ડે ડેવોન કોનવેની અણનમ ૯૯ રનની ઇનિંગને લીધે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૪ રન બનાવ્યા હતા જેની સામે આખી ઑસ્ટ્રેલિયન ટીમ ૧૭.૩ ઓવરમાં ૧૩૧ રને ઑલઆઉટ થઈ ગઈ હતી.

આમ તો ન્યુ ઝીલૅન્ડની શરૂઆત નબળી રહી હતી અને ત્રીજા જ બૉલે ટીમે માર્ટિન ગપ્ટિલની વિકેટ ગુમાવી હતી. ટિમ સિફર્ટ ૧ અને કૅપ્ટન કેન વિલિયમસન ૧૨ રને આઉટ થયા હતા. જોકે પછીથી એક છેડે ડેવોને ટીમની પારી સંભાળી રાખી હતી અને ૫૯ બૉલમાં ૧૦ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારીને અણનમ ૯૯ રનની ઇનિંગ રમ્યો હતો જેને લીધે તેને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. ગ્લેન ફિલિપ્સ ૩૦ રને અને જેમ્સ નીશામ ૨૬ રને આઉટ થયા હતા. ન્યુ ઝીલૅન્ડને મોટો સ્કોર કરતો અટકાવવા કાંગારૂ ટીમે સાત પ્લેયર્સ પાસેથી બોલિંગ કરાવડાવી હતી, જેમાં ડેનિયસ સેમ્સ અને ઝ્‍યે રિચર્ડસનને બે-બે અને માર્ક્સ સ્ટૉઇનિસને એક વિકેટ મળી હતી.

જવાબમાં ઑસ્ટ્રેલિયન ઇનિંગની શરૂઆત પણ નબળી રહી હતી અને ટીમનો કોઈ પણ પ્લેયર લાંબું ટકી શક્યો નહોતો. એકમાત્ર મિશેલ માર્શ ૪૫ રનની સન્માનજનક લડત આપી શક્યો હતો. એ ઉપરાંત ઍશ્ટન એગરે ૨૩, મૅથ્યુ વેડે ૧૨ અને ઝ્‍યે રિચર્ડસને ૧૧ રન કર્યા હતા. ટીમના ૬ પ્લેયર એકઅંકી સ્કોરમાં જ પૅવિલિયનભેગા થયા હતા. ઈશ સોઢીને ચાર, ટિમ સાઉધી અને ટ્રેન્ટ બોલ્ટને બે-બે, જ્યારે કાઇલ જેમીસન અને મિશેલ સૅન્ટનરને એક-એક વિકેટ મળી હતી.

new zealand australia cricket news sports news