ભારતીય મૂળના કિવી સ્પિનર ઈશ સોઢીએ ૧૫૦ T20 ઇન્ટરનૅશનલ વિકેટ પૂરી કરી

25 July, 2025 10:04 AM IST  |  Harare | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડના ૧૯૧ રનના ટાર્ગેટ સામે ૧૩૦ રનમાં આૅલઆઉટ થનાર ઝિમ્બાબ્વે ત્રિકોણીય T20 સિરીઝમાં ન જીત્યું એક પણ મૅચ

ન્યુ ઝીલૅન્ડના ઓપનર ટિમ સેફર્ટે નવ ફોર અને એક સિક્સ ફટકારી ૪૫ બૉલમાં ૭૫ રન ફટકાર્યા હતા.

ગઈ કાલે હરારેમાં ન્યુ ઝીલૅન્ડે યજમાન ઝિમ્બાબ્વેને ૬૦ રને હરાવીને ત્રિકોણીય T20 સિરીઝમાં પોતાનું અજેય અભિયાન જાળવી રાખ્યું હતું. ૨૬ જુલાઈએ ફાઇનલમાં કિવી ટીમની ટક્કર સાઉથ આફ્રિકા સામે થશે. ન્યુ ઝીલૅન્ડે પહેલાં બૅટિંગ કરતાં ૬ વિકેટ ગુમાવીને ૧૯૦ રન ફટકાર્યા હતા. વર્તમાન ત્રિકોણીય સિરીઝનો આ હાઇએસ્ટ ટીમ-સ્કોર પણ હતો. ઝિમ્બાબ્વેની ટીમે ૧૯૧ રનના ટાર્ગેટ સામે ૧૮.૫ ઓવરમાં ૧૩૦ રનના સ્કોર પર તમામ વિકેટ ગુમાવી દીધી હતી. આ સિરીઝમાં યજમાન ટીમ એક પણ મૅચ જીતી શકી નથી.

ન્યુ ઝીલૅન્ડે ઓપનર ટિમ સેફર્ટ (૪૫ બૉલમાં ૭૫ રન) અને રચિન રવીન્દ્ર (૩૯ બૉલમાં ૬૩ રન) બીજી વિકેટની ૬૮ બૉલમાં ૧૦૮ રનની ભાગીદારીના આધારે મોટો સ્કોર ઊભો કર્યો હતો. સેફર્ટે નવ ફોર અને એક સિક્સ તથા રવીન્દ્રએ સાત ફોર અને બે સિક્સ ફટકારી હતી.  ફાસ્ટ બોલર રિચર્ડ નગરવ (૩૪ રનમાં ચાર વિકેટ) ન્યુ ઝીલૅન્ડ સામે આ ફૉર્મેટમાં ચાર વિકેટ લેનાર ઝિમ્બાબ્વેનો પહેલો બોલર બન્યો હતો.

૧૨ રન આપી ચાર વિકેટ લેનાર કિવી સ્પિનર ઈશ સોઢી બન્યો હતો પ્લેયર ઑફ ધ મૅચ.

૭.૪ ઓવરમાં જ ઝિમ્બાબ્વેની અડધી ટીમ ૪૪ રનના સ્કોર પર આઉટ થઈ હતી. યજમાન ટીમના માત્ર ત્રણ બૅટર ડબલ ડિજિટનો સ્કોર કરી શક્યા હતા. ભારતીય મૂળના કિવી સ્પિનર ઈશ સોઢી (૧૨ રનમાં ચાર વિકેટ) T20 ઇન્ટરનૅશનલનું પોતાનું બેસ્ટ પ્રદર્શન કરી દેશ માટે આ ફૉર્મેટમાં ૧૨૬ મૅચમાં ૧૫૦ વિકેટ પૂરી કરી હતી. આ પ્લેયર ઑફ ધ મૅચ વિજેતા ૧૫૦ T20 ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉધી અને અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન બાદ ત્રીજો બોલર બન્યો હતો.  ફાસ્ટ બોલર મૅટ હેન્રીએ (૩૪ રનમાં બે વિકેટ) પણ કિવી ટીમ માટે મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.

new zealand zimbabwe cricket news test cricket sports news sports harare t20 t20 international