ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટરો સ્વદેશ પહોંચી ગયા

10 May, 2021 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખેલાડીઓ, કોચ તથા અન્ય સ્ટાફ બે અલગ અલગ ગ્રુપમાં પ્રાઇવેટ જેટમાં ઑકલૅન્ડ ગયા

પ્રતીકાત્મક તસવીર

કોરોનાને કારણે આઇપીએલ અધવચ્ચે જ રદ થતાં એમાં ભાગ લઈ રહેલા તમામ ક્રિકેટરો અને કોચ બે પ્રાઇવેટ જેટ વિમાન મારફત સહીસલામત ન્યુ ઝીલૅન્ડના ઑકલૅન્ડ પહોંચી ગયા હતા. બાયો-બબલમાં પણ કેટલાક ખેલાડીઓ કોરોના-સંક્રમિત થતાં ૪ મેએ આઇપીએલ રદ કરવામાં આવી હતી. શનિવારે રાતે ટ્રેન્ટ બોલ્ટ, ફિન એલન, જિમી નીશામ, ઍડમ મિલ્ને, સ્કૉટ કુગલેઇન, કોચ અને ભૂતપૂર્વ ખેલાડીઓમાં જેમ્સ પેમેન્ટ અને શેન બૉન્ડ, બૅન્ગલોરનો ક્રિકેટ ઑપરેશનનો ડિરેક્ટર માઇક હસન પહોંચ્યા હતા. આ તમામ ટોક્યોથી બબૉમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસના પ્રાઇવેટ જેટમાં પહોંચ્યા હતા. તો ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મૅક્લમ અને સ્ટીફન ફ્લૅમિંગ રવિવારે બીજા ગ્રુપ સાથે ગયા હતા; જેમાં કોચ કાયલ મિલ્સ, ફાસ્ટ બોલર લ્યુકી ફર્ગ્યુસન, કૉમેન્ટેટર સાઇમન ડૉલ, સ્કૉટ સ્ટાયરિસ અને અમ્પાયર ક્રીસ ગેફની પણ હતા.

તમામને નિયમ અનુસાર આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોરોન-પૉઝિટિવ આવેલા વિકેટકીપર-બૅટ્સમૅન ટિમ સીફર્ટ હજી ભારતમાં છે. તેને ચેન્નઈ મોકલવાનો છે. ઇંગ્લૅન્ડ જનારી ન્યુ ઝીલૅન્ડની ટીમના ખેલાડીઓ કેન વિલિયમસન, મિચલ સૅન્ટનર, કાયલ જેમિસન અને ફિઝિયો ટોમૉ સિમસેક હાલમાં મૉલદીવ્ઝ ગયા છે. અગાઉ તેઓ દિલ્હીમાં રહેશે એવી યોજના હતી. અગાઉ તેઓ ૧૧ મેએ યુકે જવાના હતા, પરંતુ એમાં એક સપ્તાહનો વિલંબ થવાની શક્યતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ન્યુ ઝીલૅન્ડ બીજી જૂનથી ઇંગ્લૅન્ડ સામે બે ટેસ્ટની સિરીઝ રમશે. ૧૮ જૂનથી ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્યિનશિપની ફાઇનલ રમાશે.  

new zealand cricket news sports news auckland ipl 2021 indian premier league