સારી સ્થિતિમાં આવ્યા બાદ ફરી ભારતની નૈયા ડોલમડોલ

02 March, 2020 11:26 AM IST  |  Mumbai Desk

સારી સ્થિતિમાં આવ્યા બાદ ફરી ભારતની નૈયા ડોલમડોલ

ફ્લૉપ શો અગેઇન : ગ્રૅન્ડહોમના બૉલમાં વિકેટ ગુમાવતો ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી.

ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મૅચના બીજા દિવસે ભારતીય બોલરોએ સારો દેખાવ કરી યજમાન ટીમને ૨૩૫ રનમાં ઑલઆઉટ કરી હતી. ભારતને માત્ર સાત રનની લીડ અપાવી હોવા છતાં અનેકોના મનમાં ઇન્ડિયાની જીતની આશા જાગી હતી, પણ આ સાત રનની લીડમાં ભારતીય બૅટ્સમેનો વધારે રન ઉમેરી ન શક્યા અને બીજા દિવસનો ખેલ સમાપ્ત થતા સુધીમાં બીજી ઇનિંગમાં ૯૦ રન કરી છ વિકેટ ગુમાવી બેઠા હતા.

ન્યુ ઝીલૅન્ડની પહેલી ઇનિંગમાં ઓપનર ટોમ લેથમ બાવન રનની હાઇએસ્ટ ઇનિંગ રમી શક્યો હતો અને પોતાની બીજી ટેસ્ટ મૅચ રમી રહેલો કાયલ જેમિસન ૪૯ રન બનાવીને આઉટ થયો હતો. જેમિસને પહેલી ઇનિંગમાં ભારતને ૧૪ ઓવરમાં ૪૫ રન આપી પાંચ વિકેટ ખેરવી નાખી હતી. બ્લુન્ડેલ ૩૦ અને ગ્રૅન્ડહોમે ૨૬ રન બનાવ્યા હતા. વિકેટકીપર બ્રેડલી-જ્હોન વોટલિંગ અને ટીમ સાઉધી વગર ખાતું ખોલે પૅવિલિયન ભેગા થયા હતા. બીજી ઇનિંગ રમવા ઊતરેલી ઇન્ડિયન ટીમની શરૂઆત નબળી રહી હતી અને અગરવાલના રૂપમાં પહેલી વિકેટ આઠ રનના સ્કોરે ગુમાવી બેઠી હતી. ચેતેશ્વર ૨૪ રને જ્યારે પૃથ્વી શૉ અને વિરાટ કહોલી ૧૪-૧૪ રન કરી આઉટ થયા હતા. ઉમેશ યાદવને છઠ્ઠા ક્રમે મોકલવામાં આવ્યો હતો પણ તે એક રન કરીને બોલ્ટના હાથે બોલ્ડ થયો હતો. અજિંક્ય નવ રને આઉટ થયો હતો. બીજા દિવસ સુધીમાં સમાપ્ત થયેલી ઇન્ડિયન ટીમની બીજી ઇનિંગમાં બોલ્ટે સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી.

નોંધનીય છે કે પહેલી ટેસ્ટ મૅચ ઇન્ડિયાએ ૧૦ વિકેટથી ગુમાવી હતી અને આ બીજી ટેસ્ટ મૅચ જીતી મહેમાન ટીમ સિરીઝ ૧-૧થી બરાબર કરવાનો પ્રયાસ કરી રહી છે. જો ઇન્ડિયાએ આ મૅચ જીતવી હશે તો સ્કોરબોર્ડ પર સન્માનજનક સ્કોર કરવો પડશે. બીજા દિવસ સુધીમાં ઇન્ડિયાએ ન્યુ ઝીલૅન્ડ પર કુલ ૯૭ રનની લીડ બનાવી લીધી છે. હનુમા વિહારી અને રિષભ પંત અનુક્રમે પાંચ અને એક રને પિચ પર બનેલા છે.

જાડેજાએ પકડેલા કેચ પર સૌ કોઈ થયા ફિદા
ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડની પહેલી ઇનિંગ વખતે બૅટિંગ કરી રહેલા પ્લેયર નીલ વેગનરનો કૅચ પકડીને રવીન્દ્ર જાડેજાએ ફરી એક વાર લોકોની વાહવાહી મેળવી હતી. મોહમ્મદ શમીની ઓવરમાં ૨૧ રને રમી રહેલા નીલ વેગનરે બાઉન્ડ્રી લાઇનની બહાર શોટ મારવાના ઇરાદાથી બૉલ ફટકાર્યો હતો પણ જાડેજાએ જમ્પ લગાવી એક હાથે કૅચ પકડી વેગનરને પૅવિલિયન ભેગો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કૅચ પકડ્યા બાદ મયંક અગરવાલ જાડેજાને ભેટી પડ્યો હતો.

મૅચ બાદ આ શાનદાર કૅચ વિશે વાત કરતાં જાડેજાએ કહ્યું કે ‘મને લાગતું હતું કે વેગનર ડીપ સ્ક્વેર લેગમાં રમશે, પણ મેં વિચાર્યું નહોતું કે બૉલ આટલી ઝડપથી આવશે. બૉલ પવન સાથે ઘણો સ્પીડમાં મારી તરફ આવ્યો અને મેં મારો હાથ સહજ ઊંચો કર્યો. મને ખબર જ ન પડી કે મેં ક્યારે કૅચ પકડ્યો. અમે એક યુનિટ તરીકે બોલિંગ કરી હતી. આશા છે કે અમે સારી બૅટિંગ કરીશું અને વિરોધી ટીમને ફરીથી વહેલી આઉટ કરી શકીશું.’

મારા મતે બોલિંગ યુનિટ તરીકે જ્યારે અમે બોલિંગ કરીએ છીએ ત્યારે અમે જ ઘણા બધા ચાન્સ ક્રીએટ કરીએ છીએ. અમે ચાન્સ આપતા રહીએ છીએ અને પ્રેશર બનાવતા રહીએ છીએ. અમે ઘણી તકો સર્જી વિકેટ લઈ શક્યા હોત. ટીમના પ્લેયર તરીકે અમે ઘણા ખુશ છીએ. અમારે બસ લાંબા સ્પેલ નાખવા પડશે અને અમે એ દિશામાં કામ કરી રહ્યા છીએ. - જસપ્રીત બુમરાહ

sports sports news cricket news jasprit bumrah new zealand virat kohli ravindra jadeja