પડિક્કલે કરી વિરાટની બરાબરી

09 March, 2021 11:20 AM IST  |  New Delhi

પડિક્કલે કરી વિરાટની બરાબરી

પડિક્કલ

વિજય હઝારે ટુર્નામેન્ટમાં ગઈ કાલે બીજી ક્વૉર્ટર ફાઇનલ મૅચ કર્ણાટક અને કેરલા વચ્ચે રમાઈ હતી, જેમાં રવિકુમાર સમર્થ અને દેવદત્ત પડિક્કલની અનુક્રમે શાનદાર ૧૯૨ અને ૧૦૧ રનની ધમાકેદાર ઇનિંગ્સને લીધે કર્ણાટકે આ મૅચ ૮૦ રને જીતી લીધી હતી.
કેરલાએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો અને કર્ણાટકના ઓપનર રવિકુમાર સમર્થ અને દેવદત્ત પડિક્કલે પહેલી ઇનિંગ માટે ૨૪૯ રનની પાર્ટનરશિપ કરી હતી. ત્રણ વિકેટે ૩૩૮ રન કર્યા બાદ કર્ણાટકને કેરલાએ સારી ફાઇટ આપી હતી. વત્સલ ગોવિંદે સૌથી વધારે ૯૨ અને મોહમ્મદ અઝરુદ્દીને બાવન રન બનાવ્યા હતા. ૪૩.૪ ઓવરમાં ૨૫૮ રને ઑલઆઉટ થતાં કર્ણાટકે ૮૦ રનથી મૅચ જીતી લીધી હતી.

કેરલા સામે ગઈ કાલે રમાયેલી મૅચમાં દેવદત્ત પડિક્કલે ૧૦૧ રનની ઇનિંગ્સ રમીને વિજય હઝારે ટ્રોફી ૨૦૨૧માં પોતાની ચોથી સેન્ચુરી ફટકારીને વિજય હઝારે ટ્રોફીની એક સીઝનમાં સૌથી વધારે ચાર સેન્ચુરી ફટકારવાના વિરાટ કોહલીના રેકૉર્ડની બરાબરી કરી લીધી હતી. કોહલીએ ૨૦૦૮-’૦૯માં વિજય હઝારે ટ્રોફીમાં ચાર સેન્ચુરી મારી હતી. દેવદત્તે ૧૧૯ બૉલમાં ૧૦ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. આ સીઝનમાં સૌથી વધારે રન બનાવવાની રેસમાં પણ આઇપીએલની બૅન્ગલોર ટીમનો પડિક્કલ સૌથી આગળ છે. તેણે આ સીઝનની ૬ ઇનિંગ્સમાં ચાર સેન્ચુરી અને બે હાફ સેન્ચુરી ફટકારીને કુલ ૬૭૩ રન બનાવ્યા છે.

આ ઉપરાંત ટુર્નામેન્ટની પહેલી ક્વૉર્ટર ફાઇનલમાં ગુજરાતે આંધ્રને ૧૧૭ રનથી મહાત આપી હતી. ગુજરાતે પ્રિયાંક પંચાલની ૧૩૪ રનની ઇનિંગ્સને લીધે ૭ વિકેટે ૨૯૯ રન બનાવ્યા હતા જેની સામે આંધ્રની ટીમ ૪૧.૨ ઓવરમાં ૧૮૨ રને ઑલઆઉટ થઈ ગઈ હતી.

vijay hazare trophy virat kohli cricket news sports news