વન-ડે અને ટેસ્ટ-સિરીઝ પહેલાં ​ઇન્ડિયન ટીમને ફટકો: રોહિત ઈજાને કારણે આઉટ

04 February, 2020 11:00 AM IST  |  New Delhi

વન-ડે અને ટેસ્ટ-સિરીઝ પહેલાં ​ઇન્ડિયન ટીમને ફટકો: રોહિત ઈજાને કારણે આઉટ

રોહિત શર્માને થઈ ઈજા

ઇન્ડિયન ટીમ હાલમાં ઘણા સારા ફૉર્મમાં ચાલી રહી છે. ન્યુ ઝીલૅન્ડને એની જ ધરતી પર પાંચ ટી૨૦ મૅચોની સિરીઝમાં ક્લીન સ્વીપ આપ્યા બાદ આવતી કાલથી બન્ને ટીમો વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝ પહેલાં ઇન્ડિયન ટીમને રોહિત શર્માના રૂપમાં ફટકો પડ્યો છે. પાંચમી ટી૨૦ વખતે કાફ ઇન્જરી થતાં તે રિટાયર્ડ હર્ટ થયો હતો અને હવે પ્રાપ્ત જાણકારી મુજબ આ ઈજાને કારણે તે વન-ડે અને ટેસ્ટ-સિરીઝમાં ભાગ નહીં લઈ શકે.

ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ જણાવ્યા પ્રમાણે ‘રોહિત ન્યુ ઝીલૅન્ડની બાકી રહેલી ટૂરનો ભાગ નહીં હોય. ફિઝિયોથેરપીસ્ટ તેને તપાસી રહ્યા છે અને તેની ઇન્જરી કેટલી ગંભીર છે એ ડૉક્ટર તપાસીને કહેશે ત્યાર બાદ જ ખબર પડશે. તેમ છતાં, એક વાત નક્કી છે કે તે વન-ડે અને ટેસ્ટ-સિરીઝનો ભાગ નહીં હોય.’

ઇન્ડિયન ક્રિકેટ ટીમ ન્યુ ઝીલૅન્ડ સામે ત્રણ વન-ડે મૅચની સિરીઝ આવતી કાલથી રમવાની છે અને બે ટેસ્ટ-મૅચની સિરીઝ ૨૧ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ બન્ને ફૉર્મેટમાં રોહિતના વિકલ્પરૂપે કયા પ્લેયરને ઓપનિંગની જવાબદારી સોંપવી એ વિશે પણ ચર્ચા ચાલી રહી છે. રિઝ‍‍ર્વ ઓપનરો પર નજર કરીએ તો વન-ડેમાં રોહિતના સ્થાને મયંક અગરવાલને તક મળી શકે છે, જ્યારે ટેસ્ટમાં શુભમન ગિલ અથવા પૃથ્વી શૉને તક મળવાની સંભાવના છે. રોહિતના રિપ્લેસમેન્ટ તરીકે કયા પ્લેયરનો ટીમમાં સમાવેશ કરાશે એ વિશે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

rohit sharma shikhar dhawan india new zealand t20 international cricket news sports news