વિજય હઝારે ટ્રોફીની સેમીમાં આજે મુંબઈ-કર્ણાટક વચ્ચે ટક્કર

11 March, 2021 11:09 AM IST  |  New Delhi

વિજય હઝારે ટ્રોફીની સેમીમાં આજે મુંબઈ-કર્ણાટક વચ્ચે ટક્કર

પૃથ્વી શૉ

આજે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટુર્નામેન્ટમાં મુંબઈ અને કર્ણાટક વચ્ચે ટક્કર થશે, જેમાં મુંબઈના કૅપ્ટન પૃથ્વી શૉ અને કર્ણાટકના દેવદત્ત પડિક્કલનાં પ્રદર્શન પર સૌની નજર રહેશે. લિસ્ટ-એ મૅચમાં સતત ચાર સદી ફટકારનાર પડિક્કલ પહેલો ભારતીય ક્રિકેટર બન્યો છે તેમ જ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૬૭૩ રન બનાવ્યા છે. શૉ પણ ૫૮૯ રન બનાવીને એનાથી બહુ પાછળ નથી. મુંબઈનો કૅપ્ટન જાણે વિવિધ રેકૉર્ડ તોડવાના મૂડમાં છે. પૉન્ડિચેરી સામે ગ્રુપ સ્ટેજની મૅચમાં તેણે ફટકારેલા અણનમ ૨૨૭ રન એ આ ટુર્નામેન્ટના અત્યાર સુધીના સૌથી વધુ છે. ક્વૉર્ટર ફાઇનલની સૌરાષ્ટ્ર સામેની મૅચમાં તેણે અણનમ ૧૮૫ રન ફટકાર્યા હતા, એ પણ આ ટુર્નામેન્ટના લક્ષ્યાંકનો પીછો કરતાં ફટકારેલા સર્વોચ્ચ રન હતા જેમાં તેણે ધોની અને કોહલીના રેકૉર્ડને પણ તોડ્યો હતો. બન્ને ખેલાડીઓ પોતપોતાની ટીમને શુક્રવારે રમાનારી ફાઇનલમાં લઈ જવા માટે કટિબદ્ધ છે.

દેવદત્ત પડિક્કલ

૨૦૧૮-૧૯માં આ ટુર્નામેન્ટ જીતનાર મુંબઈ માટે ધવલ કુલકર્ણીના નેતૃત્વમાં તેમના બોલરો કેવું પ્રદર્શન કરશે એના પર ઘણોબધો દારોમદાર છે.

બીજી સેમી ફાઇનલ અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાશે. બન્ને ટીમનો દારોમદાર તેમના કૅપ્ટન પ્રિયાંક પંચાલ (ગુજરાત) અને કરણ શર્મા (ઉત્તર પ્રદેશ) પર નિર્ભર છે. મુંબઈ અને કર્ણાટકની મૅચ સવારે ૯ વાગ્યાથી પાલમના ઍરફોર્સ ગ્રાઉન્ડમાં રમાશે.

vijay hazare trophy prithvi shaw cricket news sports news