વર્લ્ડ કપ ફાઇનલની સુપરઓવર પહેલાં સ્ટોક્સે લીધો હતો સિગારેટ-બ્રેક

15 July, 2020 01:28 PM IST  |  London | Agencies

વર્લ્ડ કપ ફાઇનલની સુપરઓવર પહેલાં સ્ટોક્સે લીધો હતો સિગારેટ-બ્રેક

બેન સ્ટોક્સ

ઑલરાઉન્ડર પ્લેયર બેન સ્ટોક્સને ઇંગ્લૅન્ડ વર્લ્ડ કપનો નાયક ગણવામાં આવે છે. ફાઇનલ મૅચમાં તેણે ૯૮ બૉલમાં નૉટઆઉટ ૮૪ રન કર્યા હતા. તેના શાનદાર પર્ફોર્મન્સને લીધે મૅચ સુપરઓવરમાં પહોંચી હતી. હાલમાં જાણકારી મળી હતી કે સુપરઓવર પહેલાં રિલૅક્સ થવા માટે સ્ટોક્સે સિગારેટ-બ્રેક લીધો હતો. સુપરઓવર રમતાં પહેલાં તેણે માથું ધોવા માટે શાવર લીધો હતો. નીક હોલ્ટ અને સ્ટીવ જેમ્સ લિખિત ‘મૉર્ગન્સ મેન : ધી ઇન્સાઇડ સ્ટોરી ઑફ ઇંગ્લૅન્ડ્સ રાઇઝ ફ્રૉમ ક્રિકેટ વર્લ્ડ કપ હ્યુમિલિયેશન ટુ ગ્લૉરી’ નામના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લેખકે આ બુકમાં લખ્યું છે કે ‘લગભગ ૨૭,૦૦૦ ચાહકો ટેલિવિઝન કૅમેરાથી માંડીને ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં અમારી પાસેથી આશા રાખીને બેઠા હતા. બેન સ્ટોક્સ લૉર્ડ્સમાં ઘણી વાર રમી ચૂક્યો હતો. સ્ટોક્સને ત્યાંના દરેક ખૂણાખાંચરાની ખબર હતી. કૅપ્ટન ઓઇન મૉર્ગન ડ્રેસિંગરૂમમાં બધું શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને છેલ્લી ઘડીની યોજના બનાવી રહ્યો હતો ત્યારે સ્ટોક્સ થોડી શાંતિ ઇચ્છતો હતો. પસીના અને માટીથી તે રેબઝેબ હતો. તેણે બે કલાક ૨૭ મિનિટ કપરા ટેન્શનમાં બૅટિંગ કરી હતી. સ્ટોક્સ શું કરી શકવાનો હતો? તે ઇંગ્લૅન્ડની ડ્રેસિંગરૂમમાં ગયો અને શાવર લીધો. ત્યાં તેણે સ્મોક કરીને થોડી રાહતની પળ વિતાવી હતી. એ બ્રેક પછી સુપરઓવર રમવા આવેલા સ્ટોક્સે ઇંગ્લૅન્ડને પહેલો વર્લ્ડ કપ જિતાડવામાં પાયાની ભૂમિકા ભજવી હતી.’

england ben stokes cricket news sports news world cup