07 August, 2025 07:01 AM IST | London | Gujarati Mid-day Correspondent
મેદાન પર ઇન્જરીને કારણે બેસી પડેલા આકાશ દીપને સાંત્વન આપી રહેલો સાઈ સુદર્શન.
ઓવલ ટેસ્ટ-મૅચમાં ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપ જંઘામૂળના દુખાવાથી પીડાતો જોવા મળ્યો હતો. આ પીડાને ઓછી કરવા તેણે ઇન્જેક્શન લીધું હતું એવી પ્લેયર્સ વચ્ચેની ચર્ચા સ્ટમ્પ-માઇકમાં ચોથા દિવસે સાંભળવા મળી હતી. આ સમાચાર બાદ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ ટીમ-મૅનેજમેન્ટ પર પ્રહાર કર્યા હતા.
તેણે પોતાની યુટ્યુબ ચૅનલ પર કહ્યું કે ‘તમે એક બોલરને ઇન્જેક્શન આપીને ટેસ્ટ-મૅચમાં રમાડી રહ્યા છો. જ્યારે અર્શદીપ સિંહ જેવો ફિટ ડાબોડી ફાસ્ટ બોલર બેન્ચ પર બેઠો છે. તમે તેને કેમ ન રમાડ્યો? અડધા ફિટ બોલર સાથે મેદાનમાં જવું એ ગુનો છે. તે એક મોટી અને ઘૃણાસ્પદ ભૂલ છે, કારણ કે તમારા બીજા બે બોલરો જેમને રેસના ઘોડા બનવા જોઈ તે કામ (મજૂરી વાળા)ના ઘોડા બની જાય છે. સૌથી નિરાશાજનક વાત એ છે કે તમે વારંવાર તમારી બોલિંગ સાથે સમાધાન કરો છો.’