હેલ્સ સાથે ઇંગ્લૅન્ડ વધારે સખતાઈ વર્તે છે: હુસેન

30 May, 2020 05:40 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

હેલ્સ સાથે ઇંગ્લૅન્ડ વધારે સખતાઈ વર્તે છે: હુસેન

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસીર હુસેનને લાગે છે કે ઇંગ્લૅન્ડે બૅટ્સમૅન ઍલેક્સ હેલ્સ સાથે વધારે સખતાઈ ન વર્તવી જોઈએ. વાસ્તવમાં ૨૦૧૯ વર્લ્ડ કપ પહેલાં ઍલેક્સ હેલ્સને ડ્રગ્સને કારણે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો જેને કારણે તે વર્લ્ડ કપ નહોતો રમી શક્યો અને ઇંગ્લૅન્ડની એ ભવ્ય ઐતિહાસિક જીતને માણી નહોતો શક્યો. જોકે એમ પણ કહેવાઈ રહ્યું છે કે કૅપ્ટન ઓઇન મૉર્ગન ઍલેક્સને સ્ક્વૉડમાંથી બહાર રાખવાના પ્રયત્ન કરી રહ્યો છે. આ મુદ્દા પર થોડા દિવસ પહેલાં વાત કરતાં ઓઇન મૉર્ગને પણ કહ્યું હતું કે એક વાર ભરોસો તૂટ્યા પછી એને પાછો મેળવતાં સમય લાગે છે. આ વિશે વાત કરતાં નાસીર હુસેને કહ્યું કે ‘માન્યું કે તેણે ગુનો કર્યો છે, પણ એ વાતની સજા તેને મળી ગઈ છે. ઇંગ્લૅન્ડે વર્લ્ડ કપ જીતીને લૉર્ડ્સમાં જે ભવ્ય ઇતિહાસ રચ્યો છે એનો તે હિસ્સો ન હોવાની સજા તેને મળી ગઈ છે. શું આ સજા એના માટે પૂરતી નથી? મારા ખ્યાલથી ઓઇન મૉર્ગન આ વાતને વધારે ખેંચી રહ્યો છે. અલગ-અલગ વ્યક્તિઓ માટે કાયદા અલગ-અલગ ન હોઈ શકે. મને નથી ખબર કે તે ટીમમાં પાછો આવ્યા વગર લોકોનો ભરોસો કઈ રીતે પાછો મેળવી શકશે. જ્યાં સુધી પ્લેયરો તેને તક નહીં આપે ત્યાં સુધી તે પોતાની જાતને પુરવાર કઈ રીતે કરી શકશે?’

ઇંગ્લૅન્ડમાં એક ઑગસ્ટ પહેલાં ડોમેસ્ટિક ક્રિકેટ નહીં રમાય

ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ ડોમેસ્ટિક ક્રિકેટ રમવા પર પ્રતિબંધ એક ઑગસ્ટ સુધી લંબાવી દીધો છે. આ પહેલાં એક જુલાઈ સુધી આ પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. ઈસીબીએ જણાવ્યું કે ‘ઈસીબી આજે જાહેર કરે છે કે પ્રોફેશનલ ક્રિકેટ સેશન પરનો પ્રતિબંધ વધારીને એક ઑગસ્ટ સુધી કરવામાં આવ્યો છે. જો કોઈ સ્પેશ્યલ સેશન રમાવાનું હશે તો એ બ્રિટન સરકાર અને હેલ્થ એક્સપર્ટની મંજૂરીને આધીન રહેશે છતાં અમે આશા રાખીએ છીએ કે પુરુષ અને મહિલા ડોમેસ્ટિક ક્રિકેટ વહેલું શરૂ કરવામાં આવે. જૂન મહિનામાં પ્રોફેશનલ ગેમ ગ્રુપ (પીજીજી) દ્વારા આગામી ડોમેસ્ટિક રમતોની તકની જાણકારી આપવામાં આવશે. સ્વાભાવિક છે કે આપણે દરેક લેવલ પર ક્રિકેટ રમાતી જોવા માગીએ છીએ. આશા રાખીએ  કે પીજીજી સાથે મળીને અમે ક્રિકેટના હિતમાં યોગ્ય પગલાં લઈ શકીશું.’

sports sports news england