ચેન્નઈમાં ૧૨ ડિસેમ્બરે રમાશે ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગની ઐતિહાસિક ઓપનિંગ મૅચ

11 July, 2026 09:33 AM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ડિફેન્ડિંગ ચૅમ્પિયન પર્થ સ્કૉર્ચર્સ સામે ટકરાશે મેલબર્ન રેનેગેડ્સ

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બન્ને દેશના વડા પ્રધાન સાથે ક્રિકેટર્સ અને યંગ ક્રિકેટચાહકો જોવા મળ્યા હતા.

ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગ (BBL)ની ૧૬મી સીઝનની ઓપનિંગ મૅચ ૧૨ ડિસેમ્બરે ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. ગઈ કાલે મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન ઍન્થની ઍલ્બનીઝે આ ઐતિહાસિક જાહેરાત કરી હતી. પહેલી વખત કોઈ વિદેશી T20 લીગની મૅચ ભારતની ધરતી પર રમાશે. ઓસ્ટ્રેલિયાની બહાર BBLની આ પહેલી ઐતિહાસિક મૅચ પર્થમાં ૧૨ ડિસેમ્બરે રમાનારી ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ-મૅચના ચોથા દિવસની રમત પછી ભારતીય સમય અનુસાર બપોરે ૨.૪૦ વાગ્યે શરૂ થશે. ક્રિકેટ દ્વારા ઑસ્ટ્રેલિયા-ભારત સંબંધોને મજબૂત બનાવવાના વ્યાપક પ્રયાસના ભાગરૂપે બન્ને સરકારોએ આ પહેલને ટેકો આપ્યો છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયા કહે છે કે અમે આ તક માટે ખૂબ જ ઉત્સાહિત છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે આ મૅચ કોઈ પણ રમત માટે ઑસ્ટ્રેલિયન ડોમેસ્ટિક લીગના ઇતિહાસમાં સૌથી વધુ જોવાયેલી મૅચ હશે.

નરેન્દ્ર મોદીએ સ્ટીવ વૉને ૨૦ વર્ષ જૂનો ફોટોગ્રાફ ભેટમાં આપ્યો

આ ઐતિહાસિક જાહેરાત સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ વૉને સ્પેશ્યલ ભેટ આપી હતી. આ ભેટ એક ફોટો હતો જેમાં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે સ્ટીવ વૉ સાથે મુખ્ય પ્રધાનની ઑફિસમાં થયેલી ૨૦ વર્ષ જૂની મીટિંગની યાદગીરી હતી.

australia narendra modi cricket news melbourne t20 sports news sports