નૅશનલ ઍન્ટિ-ડોપિંગ એજન્સીના લિસ્ટમાં અક્ષર પટેલ અને અભિષેક શર્માનો સમાવેશ

16 April, 2026 03:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય રેગ્યુલર ટેસ્ટ ઉપરાંત હવે એજન્સીને પોતે ક્યાં છે એની રજેરજની માહિતી આપવી પડશે : સ્મૃતિ માન્ધના અને શ્રેયસ ઐયર યાદીમાંથી બહાર

અક્ષર પટેલ અને અભિષેક શર્મા

પ્રતિબંધિત દવાનું સેવન કરવામાં આવ્યું છે કે નહીં એની તપાસ માટે વર્લ્ડ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (WADA)ના નેજા હેઠળ ભારતની નૅશનલ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (NADA)ના રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલમાં હવે તાજેતરમાં T20 વર્લ્ડ ચૅમ્પિયન બનનાર ટીમના અભિષેક શર્મા અને અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં શ્રેયસ ઐયર અને મહિલા ક્રિકેટર સ્મૃતિ માન્ધનાના સ્થાને બન્નેનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ૩૪૮ સ્પોર્ટ્‌સપર્સન્સવાળી આ યાદીમાં સામેલ ખેલાડીએ તપાસ માટે NADAના અધિકારીનો કૉલ આવે ત્યારે પોતે ક્યાં છે એની જાણકારી તેમ જ નિર્ધારિત તારીખે તપાસ માટે હાજરી આપવી પડશે. સામાન્ય રીતે ખેલાડી કે ઍથ્લીટને ડ્રગ્સ સંબંધિત તપાસ માટે યુરિનનાં સૅમ્પલ પહોંચાડવાનું કહેવામાં આવતું હોય છે. જો કોઈ ખેલાડી કે ઍથ્લીટ અધિકારી તરફથી આવતા કૉલનો ત્રણ વખત સંતોષકારક જવાબ ન આપે અથવા જવાબ આપવાનું ટાળે તો તેને ડોપિંગ સંબંધિત કાનૂનનું ઉલ્લંઘન કર્યું કહેવાય અને એ પ્લેયર કે ઍથ્લીટ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી શકે છે.NADAના લિસ્ટમાં હાલમાં ભારતના શુભમન ગિલ, યશસ્વી જાયસવાલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, જસપ્રીત બુમરાહ, કે. એલ. રાહુલ, અર્શદીપ સિંહ અને તિલક વર્માનો તેમ જ મહિલા ક્રિકેટરોમાંથી દીપ્તિ શર્મા, શૈફાલી વર્મા અને રેણુકા સિંહ ઠાકુરનો સમાવેશ છે.

abhishek sharma axar patel shreyas iyer smriti mandhana board of control for cricket in india indian cricket team indian womens cricket team cricket news sports news sports