18 October, 2026 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માહેલા જયવર્દને
પાંચ વખતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે આગામી સીઝન પહેલાં મોટો નિર્ણય લીધો છે. ફ્રૅન્ચાઇઝીએ શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી માહેલા જયવર્દને સાથે હેડ કોચ તરીકેનો છેડો ફાડવાનો નિર્ણય કર્યો છે અને શનિવારે આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. ૨૦૨૬ની સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સના અત્યંત કંગાળ પ્રદર્શન બાદ આ મોટું પગલું ભરવામાં આવ્યું છે. આ સીઝનમાં ટીમને માત્ર ૪ મૅચોમાં વિજય મળ્યો હતો અને પૉઇન્ટ્સ-ટેબલ પર ટીમ છેક નવમા સ્થાને ફેંકાઈ ગઈ હતી.
આ નિર્ણય સાથે જ જયવર્દનેનો મુંબઈ ઇન્ડિયન્સ સાથેનો કોચિંગ કાર્યકાળ પૂર્ણ થયો છે. તેણે બે વખત ટીમમાં હેડ કોચની જવાબદારી સંભાળી હતી. તેનો પ્રથમ કાર્યકાળ ૨૦૧૭થી ૨૦૨૨ સુધીનો રહ્યો હતો, જેમાં તેણે ટીમને ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦ એમ ત્રણ વખત IPL ખિતાબ અપાવ્યો હતો. ત્યાર બાદ ૨૦૨૫ની સીઝન પહેલાં તેને ફરીથી મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. જોકે બીજા કાર્યકાળ દરમ્યાન તેની સફર વિવાદો અને પડકારોથી ભરેલી રહી હતી. હાર્દિક પંડ્યાને કૅપ્ટન બનાવવા અને રોહિત શર્માને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમાડવા જેવા મુદ્દા ભારે ચર્ચામાં રહ્યા હતા. ૨૦૨૫માં ટીમ પ્લે-ઑફ સુધી પહોંચી શકી હતી, પરંતુ ૨૦૨૬માં ટીમ ગગડીને નવમા સ્થાને પહોંચી ગઈ હતી.