02 June, 2025 10:48 AM IST | London | Gujarati Mid-day Correspondent
સામાન્ય રીતે ૪૯ નંબરની જર્સી પહેરતો મુકેશ કુમાર ઇંગ્લૅન્ડમાં ૧૮ નંબરની જર્સીમાં મેદાનમાં ઊતર્યો હતો.
ભારતીય ફાસ્ટ બોલર મુકેશ કુમાર હાલમાં ઇન્ડિયા-A માટે ઇંગ્લૅન્ડ લાયન્સ સામે અનઑફિશ્યલ ટેસ્ટ-સિરીઝ રમીને અંગ્રેજોની સિનિયર ટીમ વિરુદ્ધની ટેસ્ટ-સિરીઝની તૈયારી કરી રહ્યો છે. પહેલી મૅચ દરમ્યાન તે પોતાની ૪૯ નંબરની જર્સીના સ્થાને ૧૮ નંબરની જર્સી પહેરીને મેદાન પર રમવા ઊતર્યો હતો. બિહારમાં જન્મેલા આ પ્લેયરે જર્સી-નંબરમાં ફેરફાર કેમ કર્યો એનું કારણ હજી સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
જોકે તેની આ હરકતથી વિરાટ કોહલીના ફૅન્સ સોશ્યલ મીડિયા પર તેના પર ભડક્યા છે. T20 અને ટેસ્ટ ઇન્ટરનૅશનલ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લેનાર વિરાટ કોહલી અન્ડર-19 ક્રિકેટના દિવસથી પોતાના વારસાના પ્રતીક તરીકે આ નંબરની જર્સી પહેરે છે. કેટલાક ફૅન્સે ભારતીય ક્રિકેટ બોર્ડને અપીલ કરી છે કે તેઓ કોહલીના સન્માનમાં ૧૮ નંબરની જર્સી રિટાયર કરે જેથી કોઈ અન્ય ભારતીય પ્લેયર આ નંબરની જર્સી પહેરી ન શકે. ભારતીય બોર્ડે ૨૦૧૭માં સચિન તેન્ડુલકરની ૧૦ નંબરની અને ૨૦૨૩માં મહેન્દ્ર સિંહ ધોનીની ૭ નંબરની જર્સીને રિટાયર કરી હતી.