'કૅપ્ટન કુલ' MSDએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

15 August, 2020 09:23 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

'કૅપ્ટન કુલ' MSDએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

મહેન્દ્રસિંહ ધોની

ભારતના પૂર્વ કૅપ્ટન અને 'કૅપ્ટન કુલ' તરીકે ઓળખાતા ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ધોનીએ 15મી ઓગસ્ટના દિવસે અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે પણ ધોની આઈપીએલમાં રમતો રહેશે. ICC વનડે, T-20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર દુનિયાનો એકમાત્ર કૅપ્ટન છે મહેન્દ્રસિંહ ધોની.

ધોનીએ પોતાની કારકિર્દીની આખી સફરનો વીડિયો શૅર કર્યો અને કહ્યું કે, આભાર. આભાર તમારા પ્રેમ અને સપોર્ટ માટે. 19:29 (7 વાગીને 29 મિનિટ)થી મને નિવૃત સમજો.

એક વર્ષ ક્રિકેટથી દૂર રહેલા ધોનીએ આર્મી અંદાજમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ સમાચારથી ફૅન્સ બહુ ચોંકી ગયા છે.

તમને જણાવી દઈએ કે, મહેન્દ્રસિંહ ધોની આઈપીએલ 2020માં ભાગ લેવા માટે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમના કૅમ્પમાં પહોંચી ગયો છે.

'કેપ્ટન કુલ' તરીકે ઓળખાતા માહીએ 199 વનડે અને 72 T-20માં ભારતની કપ્તાની કરી હતી. તેને 2007માં પ્રથમ વખત ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. તેની હેઠળ ભારત ટેસ્ટમાં વર્લ્ડ નંબર 1 બન્યું હતું. તેમજ તે એકમાત્ર પ્લેયર છે, જેણે ત્રણેય ફોર્મેટમાં 50થી વધુ મેચમાં ટીમને લીડ કરી છે. ધોનીએ જાન્યુઆરી 2017માં વનડે કપ્તાની છોડી હતી. અને તે પહેલા ડિસેમ્બર 2014માં ટેસ્ટમાંથી કપ્તાની છોડી હતી.

ધોનીએ 2004માં ડેબ્યુ કર્યું હતું અને 2007માં T-20 વર્લ્ડ કપમાં એક્સપરિમેન્ટ રૂપે તેને કપ્તાની સોંપવામાં આવી હતી. ત્યારે બધાને આશા ન હોય તેવામાં સમયે તેણે દક્ષિણ આફ્રિકામાં T-20 વર્લ્ડ કપ જીતાડીને T-20ની ગેમ હંમેશા માટે બદલી નાખી હતી. તે જીતના લીધે આ ફોર્મેટને ગ્લોબલ પોપ્યુલારીટી મળી હતી. તે બાદ ધોનીને રાહુલ દ્રવિડની જગ્યાએ વનડેની અને અનિલ કુંબલેની જગ્યાએ ટેસ્ટની કપ્તાની પણ સોંપવામાં આવી હતી.

ધોની છેલ્લે 2019ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં માન્ચેસ્ટર ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. ત્યારે તેણે 72 બોલમાં 50 રન બનાવ્યા હતા. 240 રનનો પીછો કરતા તે માર્ટિન ગુપ્ટીલના થ્રો દ્વારા રનઆઉટ થયો હતો.

ધોનીએ તેની પહેલી મેચ 23 ડિસેમ્બર 2004 ના રોજ બાંગ્લાદેશ સામે ચટગાંવમાં રમી હતી. ગાંગુલી તે સમયે કેપ્ટન હતા. ગાંગુલીએ ધોનીને તેની જગ્યાએ નંબર ત્રણ પર બેટિંગ માટે મોકલ્યો હતો. જો કે, આ શ્રેણીમાં ધોની ફ્લોપ રહ્યો હતો. તેણે ત્રણ વન ડેમાં ફક્ત 19 રન બનાવ્યા હતા, પરંતુ તે પછીની શ્રેણીમાં પાકિસ્તાન સામે 123 બોલમાં 148 રનની યાદગાર ઇનિંગ રમીને ટીમનો સૌથી વિશ્વાસપાત્ર અને લોકપ્રિય ખેલાડી બન્યો હતો.

કૅપ્ટન કુલે અત્યાર સુધી  90 ટેસ્ટ, 350 વનડે અને 98 T-20 મેચ રમ્યો છે. આમાં તેણે અનુક્રમે 4876, 10773 અને 1617 રન બનાવ્યા છે. IPLમાં ધોનીએ અત્યાર સુધીમાં 190 મેચોમાં 4432 રન બનાવ્યા છે. તેની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સએ 2010 અને 2011માં સતત બે વાર IPLનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ 2 વર્ષના પ્રતિબંધ પછી કમબેક કરતા 2018માં પણ ચેમ્પિયન બન્યું હતું.

sports sports news cricket news ms dhoni mahendra singh dhoni