ઇન્ડિયન ઍથ્લિટ્સનો ૨૦૨૦માં ટ્‌વિટર પર દબદબો

22 December, 2020 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન ઍથ્લિટ્સનો ૨૦૨૦માં ટ્‌વિટર પર દબદબો

૨૦૨૦ના વર્ષમાં કોરોનાને લીધે ખેલજગત પર ભલે મોટા પ્રમાણમાં અસર જોવા મળી હોય, પણ પ્લેયરોની ટ્વીટને લીધે પ્લેયર્સ ખેલપ્રમીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા હતા અને ચાહકોએ તેમને મન ભરીને વધાવ્યા પણ હતા. ૨૦૨૦માં સૌથી વધારે કરવામાં આવેલી રીટ્વીટ અને સૌથી વધારે લાઇક મેળવનારી ટ્વીટની જાણકારી ટ્વિટર ઇન્ડિયા દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવી હતી.

મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના રિટાયરમેન્ટ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતી ટ્વીટ સૌથી વધારે રીટ્વીટ થઈ હતી. વળી અનુષ્કા શર્મા પ્રેગ્નન્ટ હોવાની વિરાટ કોહલીની ટ્વીટ ૨૦૨૦ની સૌથી વધારે લાઇક મેળવનારી ટ્વીટ બની હતી. ભારતમાં પહેલી જાન્યુઆરીથી ૧૫ નવેમ્બર સુધી કરવામાં આવેલી કુલ રીટ્વીટ અને લાઇકના આધારે આ યાદી બહાર પાડવામાં આવી હતી.

કોરોનાકાળમાં ઇન્ડિયન પ્રમિયરયર લીગ (આઇપીએલ)ને ક્રિકેટપ્રેમીઓ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. હૅશટૅગ આઇપીએલ2020 સૌથી વધારે હૅશટૅગ થનારો શબ્દ બન્યો હતો. આ હૅશટૅગની દુનિયામાં બીજા ક્રમે ચેન્નઈ સુપર કિંગ્સ માટે વપરાતી ટ્વીટ હૅશટૅગ વિસલપોટુ હતી, જ્યારે ત્રીજા ક્રમે હૅશટૅગ ટીમ ઇન્ડિયા રહી હતી. વર્ષની શરૂઆતમાં ઇન્ડિયન વિમેન્સ ટીમ ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હોવાથી આ હૅશટૅગ સાથેની ટ્વીટ સારી એવી સંખ્યામાં કરવામાં આવી હતી.

સૌથી વધારે જે ભારતીય ઍથ્લિટ્સ વિશે ટ્વીટ કરવામાં આવી હોય એવા પુરુષ ઍથ્લિટ્સમાં ક્રિકેટરોએ જ સ્થાન મેળવી લીધું હતું. આ યાદીમાં શીર્ષસ્થાને વિરાટ કોહલી રહ્યો હતો. બીજા ક્રમે મહેન્દ્ર સિંહ ધોની અને ત્રીજા ક્રમે રોહિત શર્મા રહ્યો હતો. મહિલા ઍથ્લિટ્સની યાદીમાં પહેલા ક્રમે સૌથી વધારે ટ્વીટ રેસલર ગીતા ફોગાટ વિશે કરવામાં આવી હતી. બીજા ક્રમે પી. વી સિંધુ અને ત્રીજા ક્રમે સાઇના નેહવાલ જોવા મળી હતી.

સામા પક્ષે ક્રિકેટ ઉપરાંત ફુટબૉલની રમત માટે સૌથી વધારે ટ્વીટ કરવામાં આવી હતી. ફુટબૉલ બાદ બાસ્કેટબૉલ (એનબીએ) અને એફ1 રેસિંગની ટ્વીટ બીજા અને ત્રીજા ક્રમે રહી હતી.

વિશ્વના ઍથ્લિટ્સમાં સૌથી વધારે ટ્વીટ ફુટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે કરવામાં આવી હતી, ત્યાર બાદ ડેવિડ વૉર્નર બીજા ક્રમે અને એબી ડિવિલિયર્સ ત્રીજા ક્રમે રહ્યો હતો. મૅન્ચેસ્ટર યુનાઇટેડ, એફસી બાર્સેલોના અને આર્સેનલ વિશે વિશ્વ ખેલ જગતમાં સૌથી વધારે ટ્વીટ કરવામાં આવી હતી.

sports sports news cricket news mahendra singh dhoni anushka sharma virat kohli