17 August, 2025 07:41 AM IST | Bhavnagar | Gujarati Mid-day Correspondent
જય જાની
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન એમ. એસ. ધોનીના પ્રખર ચાહક ૨૭ વર્ષના જય જાનીએ ટ્રૅક્ટર પલટી ખાઈ જવાથી છેલ્લા શ્વાસ લીધા હતા. ૨૦૨૪માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં જય જાની ગ્રાઉન્ડ-સ્ટાફને હાથતાળી આપીને મેદાનમાં પહોંચ્યો હતો. મેદાન પર પહોંચ્યા પછી તે ધોનીના પગ સ્પર્શ કરવા માટે તેની નજીક ઊભો રહ્યો હતો અને ધોનીને પગે લાગ્યો હતો.
મળતા સમાચાર અનુસાર ભાવનગર જિલ્લાના રબારિકા ગામનો રહેવાસી જય જાની જ્યારે પોતાના ટ્રૅક્ટર સાથે ખેતરમાં જઈ રહ્યો હતો ત્યારે તેનું ટ્રૅક્ટર પલટી જવાથી તેણે જીવ ગુમાવ્યો હતો. આ ચાહકના મૃત્યુના સમાચારે ક્રિકેટજગતને સ્તબ્ધ કરી દીધું છે.
જય જાની ધોનીનો કટ્ટર ચાહક હતો
જય જાની ગુજરાતના ભાવનગરના રબારિકા ગામનો રહેવાસી હતો. લોકો તેને ધોનીના સમર્થક તરીકે ઓળખતા હતા. ઇન્સ્ટાગ્રામ પર તેના ૧૮,૦૦૦ ફૉલોઅર્સ છે અને તેની ધોની આશિક ઑફિશ્યલ નામની યુટ્યુબ ચૅનલ પણ છે જેના ૧૩,૦૦૦થી વધુ સબસ્ક્રાઇબર્સ છે.