મોનાંક પટેલ અમેરિકન ટીમ માટે ૨૦૦૦ વન-ડે રન ફટકારનાર પહેલો ક્રિકેટર બન્યો

10 February, 2025 12:59 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

૬૦ મૅચમાં ૧૬ ફિફ્ટી અને ત્રણ સેન્ચુરી ફટકારીને ૨૦૦૦ રનનો આંકડો પાર કર્યો આ ગુજરાતીએ

મોનાંક પટેલ

ગુજરાતના આણંદમાં જન્મેલા ૩૧ વર્ષના અમેરિકન ક્રિકેટ ટીમના કૅપ્ટન મોનાંક પટેલે ઇતિહાસ રચ્યો છે. સ્ટાર બૅટર મોનાંક પટેલ અમેરિકા માટે વન-ડે ફૉર્મેટમાં ૨૦૦૦ રન ફટકારનાર પહેલો ક્રિકેટર બન્યો છે. તેણે હાલમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-ટૂ ૨૦૨૩-૨૦૨૭માં સળંગ ચાર ફિફ્ટી ફટકારીને આ સિદ્ધિ મેળવી છે. તેણે અમેરિકા માટે ૨૦૧૯થી ૬૦ વન-ડે મૅચમાં રમીને ૩૬.૬૦ની ઍવરેજ અને ૮૨.૧૨ના સ્ટ્રાઇક-રેટથી ૨૦૧૩ રન ફટકાર્યા છે જેમાં તેણે ૧૬ ફિફ્ટી અને ત્રણ સેન્ચુરી પણ ફટકારી છે. ઓવરઑલ ઇન્ટરનૅશનલ ૯૪ મૅચમાં ૨૫૬૮ રન સાથે તે અમેકિરન ટીમનો હાઇએસ્ટ રન-સ્કોરર પણ છે.

ભારે ટ્રાફિકને લીધે ૪૩-૪૩ ઓવરની થઈ વન-ડે મૅચ 
આઠ ફેબ્રુઆરીએ ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-ટૂ ૨૦૨૩-૨૦૨૭માં અમેરિકા અને નામિબિયાની વન-ડે મૅચ ૪૩-૪૩ ઓવરની કરવામાં આવી હતી. એની પાછળનું કારણ વરસાદ નહોતો, પણ ભારે ટ્રાફિક હતું. ઓમાનના મસ્કતમાં આયર્નમેન રેસને કારણે ઘણા રસ્તાઓ બંધ હતા જેને કારણે બન્ને ટીમની બસ ભારે ટ્રાફિક વચ્ચે ફસાઈ ગઈ અને સમયસર સ્ટેડિયમ પહોંચી શકી નહોતી. અમેરિકાએ આ મૅચમાં ૪૩ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૨૯૩ રન બનાવ્યા હતા, પણ નામિબિયાની ટીમ ૪૦.૨ ઓવરમાં ૧૭૯ રનની અંદર સમેટાઈ જતાં અમેરિકાની ૧૧૪ રને જીત થઈ છે.

gujarat united states of america cricket news international cricket council world cup sports sports news