બે વાર સસ્તામાં આઉટ થયા પછી મેં પુજારાની મદદ લીધી : રિઝવાન

12 May, 2022 12:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનનો વિકેટકીપર-બૅટર કાઉન્ટીમાં ચેતેશ્વર સાથે એક મૅચમાં ૧૫૪ રનની ભાગીદારી કરી ચૂક્યો છે

ચેતેશ્વર પુજારા અને મોહમ્મદ રિઝવાન

ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાની ટક્કર જેવો કટ્ટર મુકાબલો બીજો કોઈ ન કહેવાય. મેદાન પર બન્ને દેશના ખેલાડીઓ એકમેક સામે ખુન્નસ અને ઝનૂન રાખતા હોય છે, પરંતુ મેદાનની બહાર તેમની વચ્ચે દોસ્તી થઈ જતી હોય છે. ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં રમી રહેલા ભારતના ટેસ્ટ-સ્પેશ્યલિસ્ટ બૅટર ચેતેશ્વર પુજારા અને પાકિસ્તાનના વિકેટકીપર-બૅટર મોહમ્મદ રિઝવાન વચ્ચેની ફ્રેન્ડશિપની વાત રસપ્રદ છે.

પુજારા અને રિઝવાન સસેક્સ કાઉન્ટી ક્લબની ટીમમાં છે. પુજારાએ માત્ર ચાર મૅચમાં કુલ ૭૧૭ રન બનાવ્યા છે જેમાં બે ડબલ સેન્ચુરી (૨૦૧* અને ૨૦૩) તથા બે સેન્ચુરી (૧૦૯ તથા ૧૭૦*)નો સમાવેશ છે. તે આ સીઝનના બૅટર્સમાં બીજા સ્થાને છે. ડર્હામ સામેની મૅચમાં સસેક્સના પુજારા-રિઝવાન વચ્ચે ૧૫૪ રનની ભાગીદારી થઈ હતી.

એક જાણીતા અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ રિઝવાને ડ્રેસિંગ-રૂમમાં પુજારા સાથેની દોસ્તીની વાત કરી છે. તેણે કહ્યું છે, ‘ડર્હામ સામેના મારા ૭૯ રન પહેલાં અને પુજારા સાથેની ૧૫૪ રનની પાર્ટનરશિપ પહેલાં ઉપરાઉપરી બે મૅચમાં હું સારી શરૂઆત નહોતો કરી શક્યો અને સસ્તામાં આઉટ થઈ ગયો હતો એટલે મેં પુજારાની મદદ લીધી હતી. તેણે મને બહુ સારી સલાહ આપી હતી. અગાઉ હું બૅટને શરીરથી દૂર લઈ જઈને શૉટ મારતો હતો જેને લીધે ઘણી વાર વિકેટ વહેલી ગુમાવી દેતો હતો, પરંતુ પુજારાએ મને કહ્યું કે તારે બૅટ અને બૉડી વચ્ચે સારો તાલમેલ રાખવો જરૂરી છે કે જેથી સલામત રીતે શૉટ મારી શકે. હું તેની સલાહને અનુસરી રહ્યો છું.’

sports sports news cricket news