મિનિસ્ટર મનોજ તિવારી સવારે રણજીમાં રમે, સાંજે સરકારી કામ પૂરું કરે!

18 June, 2022 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તિવારી કુરિયરથી ફાઇલ મગાવે છે અને એ ચકાસીને એમાં સહી કરીને પાછી કુરિયર કરી દે છે. એટલું જ નહીં, ફોન પર સ્ટાફ સાથે ચર્ચા કરીને બાકીનું કામ ચકાસે છે અને જરૂરી દસ્તાવેજો કુરિયરથી મગાવે છે.

મિનિસ્ટર મનોજ તિવારી સવારે રણજીમાં રમે, સાંજે સરકારી કામ પૂરું કરે!

મુંબઈ અને વિદર્ભને પોતાના કાબિલેદાદ કોચિંગથી ટ્રોફી અપાવી ચૂકેલા ચંદ્રકાન્ત પંડિતના પ્રશિક્ષણમાં સેમી ફાઇનલમાં સામે આવેલી મધ્ય પ્રદેશની ટીમ સામે સદી કરવી એ સહેલી વાત નથી, પરંતુ બેંગાલની ટીમના મનોજ તિવારીએ એ કામ કરી બતાવ્યું. ગયા અઠવાડિયે ઝારખંડ સામેની ક્વૉર્ટર ફાઇનલમાં (૧૩૬ રન) અને હવે સેમી ફાઇનલમાં મધ્ય પ્રદેશ સામેની પાંચ દિવસીય સેમીના પ્રથમ દાવમાં તિવારીએ સેન્ચુરી (૧૦૨ રન) ફટકારીને બેંગાલને જીત અપાવવાના ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ ગઈ કાલે બેંગાલે ચોથા દિવસે ૩૫૦ રનના લક્ષ્યાંક સામે ૯૬ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી એ સાથે તિવારીની મહેનત પર પાણી ફરી વળ્યું હોય એવું સ્પષ્ટ લાગે છે.
જેકાંઈ હોય, પણ ગઈ કાલે બૅન્ગલોર નજીક અલુર ખાતે બીજા દાવમાં ફક્ત ૭ રનમાં વિકેટ ગુમાવનાર તિવારી અત્યારે બે મોરચે લડી રહ્યો છે. વાત એવી છે કે તે પશ્ચિમ બંગાળમાં મમતા બૅનરજીની શાસક તૃણમૂલ કૉન્ગ્રેસ પક્ષની કૅબિનેટમાં યુવા બાબતો તથા રમતગમતને લગતા ખાતાનો પ્રધાન છે અને તેણે એ જવાબદારી પણ રણજીમાં ફરજ નિભાવવાની સાથે અદા કરવી પડી રહી છે. બંગાળના શિબપુરનો ૩૬ વર્ષનો વિધાનસભ્ય મનોજ તિવારી સવારે રણજી સેમી ફાઇનલમાં રમે છે અને સાંજે રમત પૂરી થયા પછી (તેના સાથી ખેલાડીઓ આઇસ-બાથ લેવા દોડી જાય છે અને આરામ કરે છે ત્યારે તિવારી) બહુ જલદી ફ્રેશ થયા બાદ પોતાના સરકારી ખાતાનું બનેએટલું પેન્ડિંગ કામ પૂરું કરવામાં બિઝી થઈ જાય છે. તિવારી પોતાના મતવિસ્તારના લોકોને આધાર કાર્ડ માટેના લેટર્સ આપવા સહિતના નાના મુદ્દા તેમ જ રાજ્ય સરકારની યોજનાઓનો ઠીકથી અમલ થાય છે કે નહીં એની તે ખાતરી કરે છે. તિવારી કુરિયરથી ફાઇલ મગાવે છે અને એ ચકાસીને એમાં સહી કરીને પાછી કુરિયર કરી દે છે. એટલું જ નહીં, ફોન પર સ્ટાફ સાથે ચર્ચા કરીને બાકીનું કામ ચકાસે છે અને જરૂરી દસ્તાવેજો કુરિયરથી મગાવે છે.

cricket news sports news sports